ઓડિશામાં ૧૩ વર્ષની બાળાનું અપહરણ કરી ત્રણ શખ્સોએ કર્યો ગેંગરેપ
સતત 36 કલાક સુધી કર્યો ગેંગરેપ અને પછી તેના જ ઘર પાસે ફેંકીને નરાધમો ફરાર
ન્યૂ દિલ્હીઃ દેશભરમાં મહિલાઓ અને છોકરીઓ સાથે અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યા નથી. હવે, ઓડિશામાં ભલભલી વ્યક્તિને હચમચાવી દે તેવી ઘટના બની છે. 8મા ધોરણમાં ભણતી 13 વર્ષની છોકરીનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું છે.
જાણકારી પ્રમાણે, 8મા ધોરણમાં ભણતી છોકરી 10 જાન્યુઆરીએ મોડી સાંજે ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે ગઈ હતી. ત્યારે એક સ્થાનિક છોકરાએ તેને પોતાની સાથે જવા માટે કહ્યું હતું. જો કે તે પહેલાથી જ તેને ઓળખતી હતી જે રોજ કોલેજ આવતો-જતો હતો. તેનાથી પરિચિત હોવા છતાં છોકરીએ તેની સાથે જવાનો ઈનકાર કરી દીધો.
છોકરીએ ના પાડી તો છોકરાએ ફોન કરીને પોતાના બે ફ્રેન્ડ્સને બોલાવ્યા અને બળજબરીથી તેને ઉઠાવીને સૂમસાન જગ્યાએ લઈ ગયા. જ્યાં ત્રણેયે પહેલા તેને પીવા માટે કોલ્ડ ડ્રિંક આપ્યું અને બાદમાં રેપ કર્યો. બરહમપુર SP પીનાક મિશ્રાએ નોંધાયેલી FIRના આધારે આ માહિતી આપી હતી.
પીડિતાએ જણાવ્યું કે, ત્રણેયે તેને 36 કલાક સુધી બંધક બનાવીને રાખી અને દુષ્કર્મ આચર્યું. બાદ તેઓ તેને ગંભીર હાલતમાં તેના જ ઘર પાસે ફેંકીને જતા રહ્યા. છોકરીના મામાએ ફરિયાદ નોંધાવતા આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસને હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, દાનારા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે, આ તે જ છોકરો છે જેને છોકરી ઓળખતી હતી. છોકરીના મેડિકલ એક્ઝામિનેશન બાદ તેની ધરપકડ કરાશે.
પીડિતાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેની હાલત સ્થિર છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જે પિતાના મોત બાદ મામા સાથે રહે છે તો તેની માતા કામને લઈને બહારગામ ગઈ હતી.