મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

પડ્યા પર પાટુ : ડિસેમ્બરમાં છૂટક ફુગાવા દર વધીને 7.35 ટકા થયો :2014 બાદ સૌથી વધુ મોંઘવારી દર

ડુંગળી ટમેટા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થતા ડિસેમ્બરમાં છુટક મોંઘવારી દરમાં ઉછાળો

નવી દિલ્હી : આર્થિક મોર્ચે સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે  ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થવાથી ડિસેમ્બરમાં છુટક મોંઘવારી દર વધીને 7.35 ટકા થયો છે  જ્યારે નવેમ્બરમાં છુટક મોંઘવારી દર 5.54% હતો. આ સિવાય ખાદ્ય મોંઘવારી દરમાં પણ વર્ષના અંતે વધારો નોંધવામાં આવ્યો છે.

 નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 10.01 ટકા હતો જે ડિસેમ્બરમાં વધીને 14.12 થયો હતો  જુલાઈ 2016 બાદ ડિસેમ્બર 2019 પહેલો મહીનો છે જ્યારે મોંઘવારી દર રિઝર્વ બેંકની અપર લિમિટ(2-6%)ને પાર કરી ગયો છે. આ પહેલાં જુલાઈ 2014માં છુટક મોંઘવારી દર 7.39 ટકા હતો. ઓક્ટોબર મહિનામાં છુટક મોંઘવારી દર 4.62 ટકા હતો. જે નવેમ્બરમાં વધીને 5.54 ટકા થઈ ગયો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં છુટક મોંઘવારી દર 3.99 ટકા હતો.

  ડુંગળી ટમેટા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાથી ડિસેમ્બરમાં છુટક મોંઘવારી દરમાં આ ઉછાળો જોવા મળ્યો છે આ સિવાય પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ વધારાથી છુટક મોંઘવારી દર વધ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર ઓક્ટોબરમાં 26% હતો, પછી નવેમ્બરમાં વધીને 36% થયો અને હવે ડિસેમ્બરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં મોંઘવારી દર વધીને 60.5% થઈ ગઈ છે.

(12:00 am IST)