મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

CJI ને મળવા ગયા મોદીના 'દૂત': મુલાકાત વગર પાછા ફર્યા?

મોદીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ કર્યા વાતચીતના પ્રયત્નો

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટના ૪ જજોની તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને ઘેર્યા બાદ હવે સુલેહની કોશિષો તેજ થતી દેખાય રહી છે. શનિવારના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાની મુલાકાતનો પ્રયાસ કર્યો. જોકે બંનેની મુલાકાત થઇ શકી નહોતી. ટીવી રિપોર્ટ્સના મતે નૃપેંદ્ર મિશ્ર અંદાજે ૫ મિનિટ સુધી ચીફ જસ્ટિસના ઘરની બહાર ઉભા રહ્યા, પરંતુ મીટિંગ થઇ શકી નહીં. બીજીબાજુ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ એ કહ્યું કે આશા છે કે આખો મામલો યોગ્ય રીતે ઉકેલવામાં આવે.

 

શુક્રવારના રોજ એટર્ની જનરલ અને સીજેઆઇ એ આખા વિવાદ પર મીટિંગ કરી ચર્ચા કરી હતી. દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે સુપ્રીમ કોર્ટના જજો એ આંતરિક વિવાદને મીડિયાની સામે લાવવાનો નિર્ણય કર્યો. આ બધાની વચ્ચે વિવાદને લઇ સુપ્રીમ કોર્ટના બાર એસોસીએશન એ પણ શનિવારના રોજ સાંજે ૫ વાગ્યે મીટિંગ બોલાવી છે. આ બેઠક બાદ એસોસીએશનની તરફથી ૪ જજોના નિવેદન પર ઉભી થયેલી સ્થિતિ અંગે વાત કરવા માટે પત્રકાર પરિષદ પણ કરાશે.

જજોની તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેઆઈ પર આરોપ લગાવાને લઇ એસોસીએશનના પ્રેસિડન્ટ વિકાસ સિંહ એ કહ્યું કે જો આ તેઓ મીડિયા સાથે વાત કરવા માટે આવ્યા હતા તો તેમણે કેટલીક નક્કર વાતો કહેવી જોઇતી હતી. માત્ર લોકોના મગજમાં શંકા ઉભી કરવી ન્યાયપાલિકાના હિતમાં નથી.

વિકાસ સિંહ એ કહ્યું કે જજો એ પોતાની પત્રકાર પરિષદની યોજના યોગ્ય રીતે તૈયાર કરી નહોતી. તેમણે જસ્ટિસ લોયા અંગે પણ કોઇ વાત કરી નથી. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજો જે.ચેલામેશ્વર, બી.મદન લોકુર, કુરિયન જોસેફ, અને રંજન ગોગોઇ એ પત્રકાર પરિષદ કરીને ચીફ જસ્ટિસ પર પોતાની પસંદગીના જજો અને બેન્ચોને મહત્વપૂર્ણ કેસ સોંપવાનો આરોપ મૂકયો હતો.(૨૧.૨૭)

(3:54 pm IST)