મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ CAB મુદ્દે બબાલ:સાંજ સુધી ઇન્ટરનેટ સેવા બંધ

યુનિવર્સિટી કેમ્પસથી જિલ્લા ન્યાયાધીશના કાર્યાલય સુધી વિરાટ મોરચો યોજાશે

નવી દિલ્હી : નવા નાગરિકતા સુધારા કાયદા સામે ઉત્તર પ્રદેશમાં વિરોધ શરૂ થયો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ મુદ્દે સડક પર ઊતરી આવ્યા હતા અને વાતાવરણ તંગ બનતાં ઇન્ટરનેટ સેવા આજે શુક્રવાર સાંજ સુધી બંધ કરી દેવાઈ છે

 નવા કાયદાનો વિરોધ અને જુમાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે કડક બંદોબસ્ત યોજ્યો હતો. જિલ્લી વહીવટી તંત્રે શુક્રવારની સાજં સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના નેતા મોહમ્મદ સલમાન ઇમ્તિયાઝે શુક્રવાર બપોરની નમાજ બાદ યુનિવર્સિટી કેમ્પસથી જિલ્લા ન્યાયાધીશના કાર્યાલય સુધી વિરાટ મોરચો યોજવાની જાહેરાત કરી હતી.

ઇમ્તિયાઝે કહ્યું હતું કે જુમાની નમાજ ફક્ત જામા મસ્જિદમાં થશે. તેમણે એવું જાહેર કર્યું હતું કે અમારો મોરચો શાંતિપૂર્ણ હશે. તેમણે આ કાયદાને ગેરબંધારણીય અને ગેરકાયદેસરનો જણાવ્યો હતો અને વધુમાં વધુ લોકોને વિદ્યાર્થી સંઘના મોરચામાં સહભાગી થવાની હાકલ કરી હતી.

અનિચ્છનીય બનાવો ટાળવા વહીવટી તંત્રે વધારાની પોલીસ કુમક પણ બોલાવી લીધી હતી

(12:01 pm IST)