મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

અયોધ્યામાં આધુનિક એરપોર્ટને અપાશે રામનું નામ

રામજન્મ ભૂમિને નવા રંગરૂપ આપવા યોગી સરકાર કટીબદ્ધઃ કેન્દ્ર સરકારને મોકલાયો પ્રસ્તાવ : વિમાનઘર માટે ફાળવાયા ર૦૦ કરોડઃ વૈદિક અભ્યાસ માટે રામાયણના નામે બનશે વિશ્વ વિદ્યાલય

અયોધ્યા તા. ૧૩ : ગઇકાલે રામજન્મભૂમિ ખાતે રામમંદિર બનવા માટેના તમામ અંતરાયો સમાપ્ત થતા જ યોગી સરકારની અયોધ્યા માટેની જબરી યોજનાઓ હવે વાયુવેગે આગળ ધપશે. અયોધ્યાને નવા રંગરૂપ આપવા યોગી સરકારે કવાયત આદરી છે અતી આધુનિક એરપોર્ટ માટે ર૦૦ કરોડની રકમ મંજુર થઇ ગઇ છે આ ઉપરાંત વૈદિક અભ્યાસ ઉપર જોર દઇ અહીયા રામાયણના નામને જોડીને વિશાળ વિશ્વ વિદ્યાલય પણ સ્થાપવા ચક્રો ગતિમાન કરાયા છે

સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ ઉત્તરપ્રદેશની યોગી સરકારે રામજન્મભૂમિ અયોધ્યાને રામની સુંદર અને સ્વર્ગસમી બનાવવાનું એલાન કર્યું છે. અયોધ્યામાં આકાર પામનાર આધુનિક એરપોર્ટને ''શ્રીરામચંદ્ર એરપોર્ટ'' નામ અપાશે.

અયોધ્યામાં ૪૬૪ એકર જમીન પર એરપોર્ટ આકાર પામશે આ અંગેની જમીન સંપાદનની કામગીરી ર૦ર૧માં રામનવમી સુધીમાં પૂરી કરવાની મહત્વાકાંક્ષા સેવાઇ રહી છે.

તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરીટીના ચાર સભ્યોની ટીમે અયોધ્યા ખાતેથી આંતરરાષ્ટ્રીય સ્તરના એરપોર્ટ માટેની સંભાવના માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી. રાજય સરકારે અયોધ્યામાંં મહિર્ષ મહેશ યોગી સંસ્થામાં રામાયણ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવા માટેની દરખાસ્ત પણ કેન્દ્રના સંબંધિત વિભાગમાં મોકલી આપી છે.

મહર્ષિ મહેશ યોગી સંસ્સ્થાનના અધ્યક્ષ અજય શ્રીવાસ્તવે મીડીયાને જણાવ્યું હતું કે વૈદિક અભ્યાસમાં આધુનિક સાયન્સને જોડવાના પ્રયાસના ભાગરૂપે વિશ્વવિદ્યાલયની સ્થાપના થશે જેમાં રામાયણ અંગેની સંપૂર્ણ વાત નાનામાં નાના લોકો સુધી પહોંચે તેવી યોજના છે.

રામની રપ૧ મીટરની પ્રતિમા હવે મીરાપુરના બદલે અન્યત્ર સ્થપાશે

અયોધ્યામાં રામની રપ૧ મીટર ઉંચી પ્રતિમા મીરાપુર દોઆબામાં ઉભી કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી પરંતુ અહિયા પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય હવે અયોધ્યા જીલ્લા તંત્રએ નજીકના જમથરા અને માઝાથર હટા ખાતે લગાવવાની ગતવિધિ શરૂ કરી છે અહીયા પુરતી સરકારી જમીન ઉપલબ્ધ છે અને જમીન સંપાદન માટે કોઇપણ જાતનો ખર્ચ પણ નહીં થાય.(

(11:33 am IST)