મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

અયોધ્યા કેસ : ૧૮ ફેરવિચારણા અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી

ચુકાદાની સામે મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની વિરૂદ્ધ અરજી કરી હતી જ્યારે નિર્મોહી અખાડાએ પણ કેટલીક માંગ રજૂ કરી હતી

નવીદિલ્હી, તા. ૧૨ : સુપ્રીમ કોર્ટે અયોધ્યા ચુકાદાને લઇને દાખલ કરવામાં આવેલી તમામ ૧૮ ફેરવિચારણા અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ૯મી નવેમ્બરના દિવસે અયોધ્યા વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપીને વિવાદાસ્પદ જમીન રામ લલ્લાને આપવા માટેનો આદેશ કર્યો હતો. આદેશની સામે કેટલાક મુસ્લિમ પક્ષકારો તરફથી સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ચુકાદાની સામે અરજી દાખલ કરી હતી જ્યારે નિર્મોહી અખાડાએ પણ પોતાની કેટલીક માંગોને લઇને રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ કુમારની બેંચે એકમતથી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી. અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાવાળી બેંચમાં જસ્ટિસ બોબડે, ડીવાય ચંદ્રચુડ અને અબ્દુલ નઝીર પણ સામેલ રહી ચુક્યા છે.

           નિર્મોહી અખાડાએ અયોધ્યા ચુકાદાની સામે નહીં પરંતુ શેબિયત રાઇટ્સ, કબજાની લિમિટેશનના ફેંસલા પર અરજી દાખલ કરી હતી. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટથી રામ મંદિરના ટ્રસ્ટમાં ભૂમિકા નક્કી કરવાને લઇને પણ માંગ કરી હતી. મુસ્લિમ પક્ષ તરફથી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલેમા--હિંદે અરજી દાખલ કરી હતી. કોર્ટના ચુકાદા પર ફેરવિચારણા માટે પ્રથમ અરજી બીજી ડિસેમ્બરના દિવસે દાખલ કરવામાં આવી હતી. અરજીમાં ૧૪ જુદા જુદા મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી. ૧૪ મુદ્દાઓમાં રજૂઆત કરવામાં આવી હતી કે, બાબરી મસ્જિદના ફેર નિર્માણનો નિર્દેશ આપીને પ્રકરણમાં સંપૂર્ણ ન્યાય થઇ શકે છે. ચુકાદા પર ફેરવિચારણા માટે હવે મૌલાના મુક્તિ, મોહમ્મદ ઉંમર, મૌલાના મહફુઝુર રહેમાન દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં તત્કાલિન સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ સભ્યોની બેંચે સર્વસંમત ચુકાદામાં .૭૭ એકરની વિવાદાસ્પદ જમીનમાં રામલલ્લા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. આની સાથે રામ મંદિર નિર્માણનો માર્ગ પણ મોકળો થયો હતો. આની સાથે અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન અન્યત્ર આપવા માટેનો આદેશ કેન્દ્ર સરકારને કરવામાં આવ્યો હતો.

           અત્રે ઉલ્લેખનીય છે કે, ૯મી નવેમ્બરના દિવસે છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો -૦થી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને પક્ષકાર તરીકે ગણ્યા હતા. ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે સુન્ની વક્ફ બોર્ડને કોઇ અન્યત્ર જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવશે. સાથે સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાનના ગાળામાં એક ટ્સ્ટ્રની રચના કરે.

(12:00 am IST)