અમેરિકાએ એચ-૧બી વિઝાની ફીમાં ૧૦ ડોલરનો વધારો કર્યો
વોશિંગ્ટનઃ અમેરિકા જઇને કામ કરવા ઇચ્છતા લોકોએ હવે એચ-૧બી વિઝાની અરજી ફી તરીકે ૧૦ ડોલર એટલે કે લગભગ ૭૦૦ રૂપિયા વધારે ચુકવવા પડશે. વર્તમાન સમયે એચ-૧બી વિઝાની અરજી માટે ૩૨૦૦૦ રૂપિયા લેવામાં આવે છે. અમેરિકાએ પોતાની પસંદગી પ્રક્રિયામાં નવું સંશોધન કરીને આ જાહેરાત કરી છે.
અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન મંત્રાલયે જણાવ્યું કે આ ફી ઇલેકટ્રોનિક રજીસ્ટર સિસ્ટમ માટે ઉપયોગી સાબિત થશે. અમેરિકી નાગરિક અને ઇમિગ્રેશન મંત્રાલયના કાર્યકારી નિર્દેશક કેન કુસિનેલીએ કહ્યું કે આ પ્રયત્ન વડે વધારે પ્રભાવી એચ-૧બી વિઝા પસંદગી પ્રક્રિયા લાગુ કરવામાં મદદ મળશે. વધુંમાં તેમણે જણાવ્યું કે ઇલેકટ્રોનિક રજીસ્ટર સિસ્ટમ ઇમિગ્રેશનને આધુનિક બનાવશે. જેનાથી પસંદગી પ્રક્રિયામાં સુધારો થશે ઉપરાંત ફ્રોડ થઇ શકશે નહીં.
એચ-૧બી વિઝા કાર્યક્રમ અમેરિકી કંપનીઓને વિદેશી કારીગરોને અસ્થાયી રીતે કામ પર રાખવાની અનુમતિ આપે છે. જેના માટે કોઇ વિશિષ્ટ કૌશલ અથવા તો ડિગ્રીની જરૂ પડે છે. જે લોકો એચ-૧બી વિઝા માટે અરજી કરશે તેમણે પહેલા ઇલેકટ્રોનિક રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ૨૦૨૧થી વર્ષથી આ પદ્ઘતિ લાગુ કરવામાં આવશે.