મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

હરિયાણામાં આવતીકાલે ભાજપ-જેજેપી સરકારના મંત્રીઓ કરશે શપથ ગ્રહણ

ગુરૂવારે સવારે ૧૧ વાગે રાજયપાલ સત્યદેવ નારાયણ આર્ય મનોહર લાલ ખટ્ટર સરકારના મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે

ચંદીગઢ, તા.૧૩: હરિયાણામાં ભાજપ-જેજેપી સરકારમાં ગુરૂવારે (૧૪ નવેમ્બર)ના રોજ નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવશે. ગુરૂવારે સવારે ૧૧ વાગે રાજયપાલ સત્યદેવ નારાયણ આર્ય મનોહર લાલ ખટ્ટર  સરકારના મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી હરિયાણામાં મંત્રીમંડળ બની શકયું ન હતું. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શકયું નથી કે જેજેપીમાંથી કેટલા મંત્રી શપથ લેશે અને તેમને કયો-કયો વિભાગ મળશે. તો બીજી તરફ ભાજપ દ્વારા શપથ લેનાર મંત્રીઓ વિશે પણ કોઇ જાણકારી મળી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૭ ઓકટોબર દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સરકાર બનાવવામાં આવી હતી. ચંદીગઢમાં યોજાયેલા સમારોહ મનોહર લાલ ખટ્ટરએ બીજીવાર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતા. તો બીજી તરફ ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપનાર જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત ચૌટાલા  હરિયાણાના ઉપ મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ માટે દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાળી નેતા પ્રકાશ સિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીર બાદલ અને ભાજપના કાર્યકારી જેપી નડ્ડા પણ પહોંચ્યા હતા. શપથ ગ્રહણ બાદ અજય ચૌટાલાએ કહ્યું કે સરકાર પુરા પાંચ વર્ષ સુધી ચાલશે અને હરિયાણાના વિકાસના રથને આગળ વધારશે.

(3:46 pm IST)