મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

કર્ણાટકઃ અયોગ્ય જાહેર કરાયેલા ૧૭ ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટની રાહતઃ હવે ચુંટણી લડી શકશે

નવી દિલ્હી,તા.૧૩: સુપ્રીમ કોર્ટે કર્ણાટકના અયોગ્ય જાહેર કરવામાં આવેલા ૧૭ ધારાસભ્યો વિશે આજે ચુકાદો આપ્યો છે. કોર્ટે તેમના ચુકાદામાં સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય સાચો ગણાવ્યો છે. એટલે કે કોંગ્રેસ અને જેડીએસના એ ૧૭ ધારાસભ્યો હવે અયોગ્ય સાબિત થઈ ચૂકયા છે. પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી આ ધારાસભ્યોને થોડી રાહત આપવામાં પણ આવી છે. તેમને ફરી ચૂંટણી લડવાની છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, કર્ણાટકમાં ૫ ડિસેમ્બર ૧૫ વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી થવાની છે. આ સંજોગોમાં અયોગ્ય જાહેર કરવામાં આપેલ ધારાસભ્યો પણ આ ચૂંટણી લડી શકશે તેવી સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું છે કે, વિધાનસભા સ્પીકર એ નક્કી ન કરી શકે કે, ધારાસભ્ય કયાં સુધી ચૂંટણી લડી શકશે કે નહીં. સંસદીય લોકતંત્રમાં સરકાર અને વિપક્ષ પાસેથી નૈતિકતાની આશા રાખવામાં આવે છે. અમે સ્થિતિને જોઈને કેસની સુનાવણી કરીયે છીએ. કોર્ટ કહ્યું છે કે, અરજી કરનાર આ મામલે હાઈકોર્ટ પણ જઈ શકે છે.

(12:55 pm IST)