મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

શિવસેનાનું બરાબરનું નાક દબાવ્યું હતું બંને પક્ષોએ

મહારાષ્ટ્રઃ રોટેશીલ CM: ડેપ્યુટી સીએમઃ ૧૪-૧૪ મંત્રાલયઃ કોંગ્રેસ-NCPની હતી ડીમાન્ડ

મુંબઇ, તા.૧૩: મહારાષ્ટ્રના રાજકારણમાં સરકાર બનાવાને લઇ સંગ્રામ મચ્યો છે. એક બાજુ શિવસેના જે કોઇપણ રીતે મહારાષ્ટ્રમાં સત્તાના સિંહાસન પર બેસવા માંગે છે તો બીજીબાજુ એનસીપી છે જે પોતાની શરતો પર શિવસેનાની સાથે મળીને સરકાર બનાવા માંગે છે. તો કોંગ્રેસ હજુ સુધી નક્કી જ કરી શકી નથી કે વિપરીત વિચારધારાઓવાળા પક્ષ સાથે દોસ્તી કરાય કે નહીં. આ બધાની વચ્ચે સત્ત્।ામાં હિસ્સેદારીને લઇ પણ કોંગ્રેસ અને એનસીપીમાં ચર્ચા ચાલી રહી છે.

મંગળવારના રોજ મુંબઇના વાઇબી ચૌહાણ સેન્ટરમાં દિલ્હીથી ગયેલા ત્રણ કોંગ્રેસ નેતાઓ અહમદ પટેલ, મલ્લિકર્જુન ખડગે અને કેસી વેણુગોપાલે એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે બેઠક કરી. સૂત્રોના મતે આ બેઠકમાં ચાર મુખ્ય બાબતો પર ચર્ચા થઇ. એનસીપીએ એ વાત પર જોર આપ્યું કે સ્થાયી સરકાર માટે કોંગ્રેસને સરકારનો હિસ્સો બનાવો જોઇએ. જયારે કોંગ્રેસનું જોર કોમન મિનિમમ પ્રોગ્રામ પર રહ્યું. ત્યાં સરકારમાં ભાગીદારી પર પણ એનસીપીએ પોતાની ફોર્મ્યુલા સામે મૂકી.

સૂત્રોના મતે કોંગ્રેસ અને એનસીપીની બેઠકમાં મુખ્યમંત્રી પદને લઇ પણ ચર્ચા થઇ છે. મીટિંગમાં એનસીપીએ ફોર્મ્યુલા મૂકી કે શિવસેના અને તેની વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની વહેંચણી કરવામાં આવે જયારે કોંગ્રેસને પૂરા પાંચ વર્ષ માટે ડેપ્યુટી સીએમનું પદ મળે.

મુંબઇમાં એનસીપીએ જયાં સીએમ અને ડેપ્યુટી સીએમના ફોર્મ્યુલાની ચર્ચા કરી તો દિલ્હીમાં કોંગ્રેસના ખેમામાંથી કેબિનેટની ફોર્મ્યુલા સામે આવી. કોંગ્રેસ સૂત્રોના મતે પાર્ટી ત્રણ પક્ષમાં સત્ત્।ાની બરાબર ભાગીદારી ઇચ્છે છે. કોંગ્રેસની ફોર્મ્યુલા છે કે ૪૨ કેબિનેટ મંત્રી બનાવામાં આવે અને તેમાંથી શિવસેના અને એનસીપીની સાથે ૧૪-૧૪ મંત્રી વહેંચવામાં આવે. એટલે કે કોંગ્રેસ-શિવસેના અને એનસીપીના ૧૪-૧૪ મંત્રી સરકારમાં રહે. તેની સાથે જ કોંગ્રેસની નજર ગૃહ અને રાજસ્વ જેવા અગત્યના મંત્રાલયો પર છે. કોંગ્રેસનું માનવું છે કે આ રીતે મહત્વપૂર્ણ મંત્રાલયોની વહેંચણી પણ યોગ્ય રીતે થવી જોઇએ. એટલે કે સૌથી ઓછા ધારાસભ્ય હોવા છતાંય પણ કોંગ્રેસ સરકારમાં મજબૂતીની સાથે રહેવા માંગે છે. ત્યાં શિવસેનાના મુખ્યમંત્રી હોવાની સ્થિતિમાં બે ડેપ્યુટી-સીએમની ફોર્મ્યુલા પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

જો કે આ તમામ મુદ્દા પર હજુ સુધી ત્રણેય પક્ષોની વચ્ચે કોઇ સ્પષ્ટ વાતચીત થઇ નથી. મંગળવારના રોજ એનસીપી-કોંગ્રેસની બેઠક બાદ અહમદ પટેલ અને શરદ પવારે કહ્યું કે અત્યારે બંને પક્ષોની વચ્ચે વાતચીત થવાની છે અને ત્યારબાદ શિવસેના સાથે વાત કરાશે. તો અહમદ પટેલ અને શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે એ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે અમને પણ વાતચીત માટે સમયની જરૂર છે અને આથી શિવસેનાએ રજયપાલ સાથે સમય માંગ્યો હતો.

વાત એમ છે કે હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ ગયું છે અને આ નિર્ણયની વિરૂદ્ઘ શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઇ છે. એવામાં જયાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સૌની નજર છે તો એ જોવાનું પણ દિલચસ્પ હશે કે ત્રણેય પક્ષ કયાં સુધી એક મંચ પર આવી શકે છે અને જો સરકાર બને છે તો કંઇ ફોર્મ્યુલા પર વાત ફાઇનલ થાય છે.

(11:43 am IST)