મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

બિહારમાં એક સાથે ૪પ પોલીસ કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાયા

સીસીટીવીની મદદથી સમગ્ર ઘટના પરથી પડદો ઉઠયો

પટના, તા.૧૩: બિહારના પાટનગર પટનામાં લાંચ લઇને મહાત્મા ગાંધી બ્રિજ પર ભારે વાહનોને ખસેડીને ઓવરલોડેડ ટ્રકોને આગળ ધકેલવાના આરોપમાં એકસાથે ૪પ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. બિહાર પોલીસના ઇતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હશે કે જયાં લાંચ લેવાના આરોપમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ-કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હશે.

આ કેસની કાર્યવાહી પટનાના ટ્રાફિક પોલીસ અધિકારી અમરેશ ડી કરી રહ્યા છે. પટનામાં છઠપૂજા દરમ્યાન ભયંકર ટ્રાફિક જેમ સર્જાયો હતો. એ સમયે ટ્રક અને મોટાં વાહનો પાસેથી લાંચરૂપી ઉઘરાવેલા પૈસાની  વહેંચણી માટે પણ પોલીસમાં અંદર-અંદર મારામારી શરૂ થઇ ગઇ હતી. જેના કારણે લાંચના સમગ્ર મામલા પરથી પરદો ઉઠી શકયો હતો. સસ્પેન્ડ કરાયેલા પોલીસ-કર્મચારીઓમાં છ ઇન્સપેકટર, સાત એએસઆઇ અને ૩૨ સિપાહીનો સમાવેશ થાય છે.

આ કેસની કાર્યવાહી કરનારા પોલીસ ઓફિસર અમરેશ ડીનું કહેવું છે કે સીસીટીવીની તપાસ બાદ પહેલી દ્રષ્ટિએ જોતાં આ ૪પ પોલીસ-કર્મચારીઓ પર લાગેલો લાંચ લેવાનો આરોપ સાચો સાબિત થઇ રહ્યો છે. એના આધાર પર હવે પ્રાથમિક કેસ દાખલ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

(10:06 am IST)