મુખ્ય સમાચાર
News of Wednesday, 13th October 2021

કોરોના મટ્યા બાદ ચાર દર્દીને નવા ફંગસનું ઇન્ફેશન લાગ્યુ

દર્દીઓએ દુખાવો દુર ના થતા MRI કરાવ્યું : કોરોનાને હરાવાનારા દર્દીઓને કમરમાં ભારે દુખાવો થયા બાદ તપાસ કરાવતા વધુ એક ભેદ ખુલ્યો : અહેવાલ

નવી દિલ્હી,તા.૧૩: હવે મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ બાદ હવે વધુ એક ફંગસનું ઈન્ફેક્શન કોરોનાને હરાવનારા લોકોમાં જોવા મળી રહ્યું છે. જેમાં પાછલા ત્રણ મહિનામાં કોરોના મુક્ત થયેલા પુનાના ચાર દર્દીઓમાં નવા ફંગસનું ઈન્ફેક્શન લાગ્યું છે. ૬૬ વર્ષના ત્રણ મહિના પહેલા કોરોનાને હરાવનારા પ્રભાકર નામના દર્દીને સામાન્ય તાવ અને કમરમાં સતત દુખાવો રહેતો હતો. તેમણે આ દુખાવાથી રાહત મેળવવા માટે શરુઆતમાં સામાન્ય દવાઓ લીધી હતી. જોકે, તેમણે જ્યારે એમઆરઆઈ દ્વારા તપાસ કરાવી ત્યારે ખ્યાલ આવ્યો કે ઈન્ફેક્શનના કારણે સ્પાઈનલ-ડિસ્કના હાડકાને નુકસાન થયું હતું, જેને સ્પોન્ડિલોડિસાઈટિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઈન્ફેક્શન થયેલી જગ્યાના હાડકાની બાયોપ્સિ અને કલ્ચર (મેડિકલ ટેસ્ટ) કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમાં ફંગસના કારણે નુકસાન થયું છે. આ પ્રકારની તકલીફમાં સર્જરી કરવી મુશ્કેલ માનવામાં આવે છે, જેમાં આ ફંગસ કરોડરજ્જુમાં ક્ષય રોગની નકલ કરે છે. આ પ્રકારની તકલીફ કોરોનાને હરાવી ચુકેલા દર્દીઓમાં જોવા મળી છે, જ્યારે ભાગ્યે જ આ તકલીફ ફેફસામાં જોવા મળે છે.

દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ઈન્ફેક્શનના રોગના નિષ્ણાંત પરિક્ષિત પ્રયાગે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, *અમે આ પ્રકારની બીમારી ત્રણ મહિનામાં એવા ચાર દર્દીઓમાં જોઈ કે જેઓ કોરોનાથી સાજા થયા છે. આ પહેલા કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ પ્રકારની બીમારી જોવા મળી નહોતી. આ ચાર દર્દીઓમાં સામાન્ય બાબત એ હતી કે તેમને કોરોનાની ખરાબ અસર થઈ હતી અને તેમને સારવાર દરમિયાન સ્ટીરોઈડના ડોઝ આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જે કોરોનાના દર્દીઓને સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવામાં આવ્યું હતું તેને કોરોના મટ્યા પછી કેટલીક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. એક્સપર્ટ પરિક્ષિત પ્રયાગે જણાવ્યું કે, પુનામાં ત્રણ મહિનામાં દેખાયેલા કમરની તકલીફવાળા દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે. હવે આ દર્દીઓની સારવાર દરમિયાન કેટલીક નવી બાબતોને જાણવાની પણ એક્સપર્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

(3:47 pm IST)