મુખ્ય સમાચાર
News of Wednesday, 13th October 2021

કોરોના : રશિયામાં એક દિવસમાં રેકોર્ડ ૯૭૩ લોકોના મોત

દુનિયાને કોરોનાની પહેલી સ્પુતનિક-વી વેકિસનની ભેટ આપનાર રશિયામાં કોરોનાના કેસો અને મોતમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે

મોસ્કો તા. ૧૩ : મહામારી શરૂ થયા બાદ રશિયામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં કેસો અને મોત થયા છે. મંગળવારે અહીં એક જ દિવસમાં કોરોનાથી ૯૭૩ લોકોના મોત થતા સરકારની ચિંતા વધી છે.

ખુદ પુતિન સરકારે સ્વીકાર કર્યો છે કે મહામારીની શરુઆત પછી અત્યાર સુધી કોરોનાને કારણે મરનાર લોકોની આ રેકોર્ડબ્રેક સંખ્યા છે. રશિયામાં આ  મહિનાની શરુઆતમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થયો છે. મંગળવારે અહીં કોરોનાના ૨૮,૧૯૦ કેસો સામે આવ્યાં.

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં પણ પુતિન સરકારે દેશવ્યાપી લોકડાઉન લગાડવાનો ઈન્કાર કર્યો છે. જોકે સરકાર કોરોનાના કડક નિયમોને લાગુ પાડવાની તરફેણમાં છે.

કેસો વધવાને કારણે સરકારે જાહેર સભાઓ, સમારોહ, થિએટર અને રેસ્ટોરન્ટ વગેરેમાં લોકોના જમાવડા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે લોકોએ વેકિસનના બન્ને ડોઝ લીધા છે તેમની પર પણ પ્રતિબંધ છે.  રશિયાની રાજધાની મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ અને અન્ય શહેરોમાં સામાન્ય જીવન સામાન્ય છે. વ્યવસાયિક સંસ્થાઓ ખુલ્લી છે. પરંતુ આ બધા શહેરોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકાઈથી પાલન કરાવાઈ રહ્યું છે.

(10:15 am IST)