મુખ્ય સમાચાર
News of Saturday, 13th October 2018

સત્ય જયાંથી મળે તેનું ઋણ સ્વીકાર કરોઃ પૂ. મોરારીબાપુ

હિમાચલ પ્રદેશમાં આયોજીત ''માનસ જવાલાદેવી'' શ્રી રામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.૧૩: ''સત્ય જયાંથી મળે તેનું ઋણ સ્વીકાર કરો.'' તેમ પૂ. મોરારીબાપુએ હિમાચલ પ્રદેશનાં ''જવાલાદેવી'' ખાતે આયોજીત ''માનસ જવાલાદેવી'' શ્રી રામકથાનાં ચોથા દિવસે કહયું હતું.

ગઇકાલે શ્રી રામકથાનાં ત્રીજા દિવસે પૂ.મોરારીબાપુએ કહયું હતું કે, દેવી ભાગવત કહે છે કે, શાસ્ત્ર શ્રવણ કરવું એ ઉત્તમ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ છે. સાહિત્યનું શ્રવણ એ મધ્યમ છે. અને એનું ફળ સ્વર્ગપદ છે. માનસના જુદા-જુદા કાંડ એ અષ્ટક છે. લંકાકાંડ એ યુધ્ધાષ્ટક છે. ઉત્તરકાંડ એ નિર્વાણાષ્ટક છે. ક્રિષ્કિન્ધાકાંડ એ મિત્રાષ્ટક છે, અરણ્યાકાંડ એ સુયાષ્ટક છે, અયોધ્યાકાંડ એ સરસ્વતીષ્ટક છે અને બાલકાંડ એ ભવાનીઅષ્ટક છે.

માતાજીની આરતી-સ્તુતિ વખતે બાપુએ સોૈ શ્રાવકોને પોતાના મોબાઇલની લાઇટ પ્રજ્જવલિત કરીને માની આરતી ઉતારવાનું કહ્યું હતું. એ સોૈ ભાવિકોએ પોતાના મોબાઇલમાં લાઇટ ચાલું કરીને પોતાની જગ્યા પર બેસીને જ માતાજીની આરતીનું ગાન કર્યું હતું. ત્યારે સમગ્ર વાતાવરણ ઝળહળી ઊઠયું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, પ્રકૃતિના પાંચ તત્વો-પંચ તત્વ એ જડ છે. અને આ પાંેચેય તત્ત્વોમાં ચાર તત્વો નિર્ગુણ અને સગુણ તત્વો છે. પૃથ્વી એ પ્રત્યક્ષ આકારિત તત્વ છે. પૃથ્વી એ જડ પદાર્થ છે, એનો એક ચોક્કસ નિશ્ચિત આકાર છે. જળ-આમ જોઇએ તો નિરાકાર છે, એનો કોઇ આકાર નથી. પણ જો એને કોઇ પાત્રમાં ભરવામાં આવે તો એ નિશ્ચિત આકાર ધારણ કરે છે. એ જ રીતે વાયુ એ પણ નિરાકાર છે. પણ એને આકારિત કરી શકાય છે. પંખાની હવા એ ચોક્કસ આકારમાં વાયુ ગતિ કરીને હવા ફેંકે છે. આકાશ એ પણ નિરાકાર છે પરંતુ કુંભાર ઘડાનું નિર્માણ કરે છે ત્યારે એ આકાશને ચોક્કસ આકાર મળે છે. તેજ (અગ્નિ) જયોત પણ નિર્ગુણ અને સગુણ બન્ને છે. અહીં જયોતિ-જવાલા એ બન્ને રૂપે ઝળહળે છે. એક જયોતિર્લિંગ છે અને અક જયોતિલિંર્ગ છે. જયોતિનો કોઇ આકાર નથી હોતો. એ પ્રત્યક્ષ છે. મા જવાલામુખી એ નિર્ગુણ અને સગુણ બન્ને રીતે વ્યાપ્ત છે.

એક શ્રાવકની જિજ્ઞાસા હતી કે, બાપુ સંસ્કૃતએ દેવવાણી છે તો પછી રામચરિત માનસ શું છે? બાપુએ કહયું કે, સંસ્કૃત દેવવાણી છે તો રામચરિત માનસ એ મહાદેવવાણી છે. શિવ એ અવતારીઓના અવતારી છે. કોઇ ધર્મને-સંપ્રદાયને  શિવનો નકાર કરવાની જરૂર નથી. તેમ અંતમાં કહયું હતું.(૧.૨૩)

(3:30 pm IST)