મુખ્ય સમાચાર
News of Monday, 13th September 2021

બળાત્કાર પીડિતા 16 વર્ષીય સગીર યુવતીને 29 સપ્તાહનો ગર્ભ પાડવા બોમ્બે હાઇકોર્ટની મંજૂરી : મેડિકલ બોર્ડ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે સગીરાના હિતમાં નિર્ણય લીધો

મુંબઈ : બળાત્કાર પીડિતા 16 વર્ષીય સગીર યુવતીને  29 સપ્તાહનો ગર્ભ પાડવા બોમ્બે હાઇકોર્ટએ મંજૂરી આપી છે. મેડિકલ બોર્ડ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટને ધ્યાને લઇ નામદાર કોર્ટે ઉપરોક્ત નિર્ણય લીધો હતો.

જસ્ટિસ ઉજ્જલ ભૂયાન અને જસ્ટિસ માધવ જમાદારની ડિવિઝન બેન્ચે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલા મેડિકલ બોર્ડ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટનો ઉલ્લેખ કર્યા બાદ આ આદેશ આપ્યો હતો.

સગીરની માતાએ દાખલ કરેલી અરજીમાં ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની પરવાનગી માંગવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજદારની પુત્રી ઉપર આ વર્ષની શરૂઆતમાં બળાત્કાર ગુજારાયો હતો તેથી તે ગર્ભવતી બની હતી. આ કેસની દલીલ એડવોકેટ એશ્લે કુશરે કરી હતી.આથી પક્ષકારોના વકીલને સાંભળ્યા બાદ કોર્ટે જેજે હોસ્પિટલને મેડિકલ બોર્ડની રચના કરવા અને અરજદારની પુત્રીની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મેડિકલ બોર્ડે એક રિપોર્ટ આપતાં જણાવ્યું હતું કે, “દર્દીની સાવચેતીપૂર્વક તપાસ કર્યા પછી, અલ્ટ્રાસોનોગ્રાફી રિપોર્ટ તેમજ મનોચિકિત્સક મૂલ્યાંકનને ધ્યાનમાં લીધા પછી, મેડિકલ બોર્ડે નોંધ્યું છે કે ભલે ગર્ભમાં કોઈ અસાધારણતા શોધી શકાતી નથી, હકીકત એ છે કે ગર્ભવતી સગીર માતા ગર્ભાવસ્થાથી દુઃખી છે. સગીરમાં સગર્ભાવસ્થા ચાલુ રાખવાથી સગર્ભા સગીર માતાના માનસિક સ્વાસ્થ્યને અસર કરવા સહિત ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણો થઈ શકે છે. આ સંજોગોમાં, મેડિકલ બોર્ડે ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની ભલામણ કરી છે," જેના આધારે નામદાર કોર્ટે ઉપરોક્ત નિર્ણય લીધો હતો.તેવું ઇન્ડિયા ટુડે દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)