મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

કેલિફોર્નિયામાં ફાયરીંગ : બંદૂકધારીએ પત્ની સહિત પાંચ લોકોને ઠાર માર્યા

હજુ સુધી આ હુમલાખોર બંદૂકધારી શખ્સનું નામ જાણવા મળ્યું નથી

કેલિફોર્નિયા તા. ૧૩ : અમેરિકાના કેલિફોર્નિયામાં એક બંદૂકધારીએ પાંચ લોકોને ગોળી મારીને ઠાર કરી પોતે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોમાં આ બંદૂકધારીની પત્નીનો પણ સમાવેશ થાય છે. આ અજાણ્યા બંદૂકધારીએ દક્ષિણ કેલિફોર્નિયામાં પાંચ લોકો પર ગોળીઓ વરસાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર આ અજાણ્યા બંદૂકધારીએ પોતાની પત્ની અને બેકર્સ ફિલ્ડ કંપનીના એક ટ્રક ડ્રાઇવરને પણ મારી નાખ્યો હતો. આ ઘટના શેરીફ નજીક ઘટી હતી. કેર્ન કાઉન્ટી શેરીફના ડોની યંગબ્લડે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના બુધવારે સાંજે પ-૩૦ કલાકે એક વેપારી કેન્દ્રમાં અને બેકર્સ ફિલ્ડના એક ઘરમાં ઘટી હતી. આ સ્થળ નોર્થ લોસ એન્જલસથી ૯૦ માઇલ દૂર છે.

કેન કર્ન્ટીના પ્રધાન ડોની યંગબ્લડેે જણાવ્યું હતું કે આ અજાણ્યા હુમલાખોરે બેકર્સ ફિલ્ડ કંપનીની નજીક જ બીજી એક કંપનીના કર્મચારીની પણ હત્યા કરી હતી. તેણે સ્વયંને ગોળી મારીને આત્મહત્યા કરતાં પહેલાં એક મોટા વાહનને જપ્ત પણ કર્યું હતું.

પોલીસનું માનવું છે કે હજુ સુધી આ હુમલાખોર બંદૂકધારી શખ્સનું નામ જાણવા મળ્યું નથી, જોકે પોલીસના જણાવ્યા અનુસાર આ બંદૂકધારી શખ્સ પોતાની પત્નીથી કોઇ બાબતે પરેશાન હતો અને આ ઘટનામાં તેની પત્ની ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય કેટલાક લોકો પણ સામેલ છે.

પોલીસ ગોળીબારની આ ઘટનામાં તપાસ કરી રહી છે અને આ ઘટના સાથેના તમામ કનેકશન અંગે પૂછપરછ કરી રહી છે. આ અગાઉ પણ રવિવારે કેલિફોર્નિયાના સેનબર્નાડીનોના એક એપાર્ટમેન્ટમાં એક હુમલાખોરે ૧૦ લોકોને ગોળી મારી હતી, જેમાં બાળકોનો પણ સમાવેશ થતો હતો.

સેનબર્નાડીનોના પ્રવકતા કેપ્ટન રિચર્ડ લોહેડે જણાવ્યું હતું ૧૦-૪પ કલાકે થયેલા આ ફાયરિંગની જાણ થતાં અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જયાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર હતી. આ ગોળીબારની ઘટના લોસ એન્જલસની પૂર્વમાં ૬૦ માઇલ દૂર આવેલા સ્થળે ઘટી હતી.(૨૧.૨૮)

 

(4:00 pm IST)