મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

ઇ-વે બિલ જનરેટ કરવાહવે મોબાઇલ એપ લોન્ચ થશે

નવી દિલ્હી, તા.૧૩: જીએસટીના અમલ બાદ વેપારીઓને માલનું વહન કરવા માટે ઇ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત કરાયું છે. વેપારીઓ તરફથી મળી રહેલી અનેક ફરિયાદના પગલે નિવેડો લાવવા માટે હવે જીએસટી વિભાગે વેપારીઓની સરળતા માટે ઇ-વે બિલ બનાવવા માટે મોબાઇલ એપ તૈયાર કરી છે, જેનો ટૂંક સમયમાં એટલે કે ૧ ઓકટોબરથી અમલ થાય તેવું આયોજન કરાયું છે.

આ એપમાં તમામ જાણકારી પૂરી પાડવામાં આવશે. જે રૂટ પરથી સામાન લઇને વાહન પસાર થવાનું હોય તે તમામ રૂટ પર આવતી જીએસટીની કચેરીઓને એપના કારણે વાહન નંબર સહિતની જાણકારી સ્ક્રીન પર ઉપલબ્ધ થશે.

મોબાઇલ એપના ઉપયોગમાં ઇ-વે બિલ જનરેટ કરવા માટે વેપારીએ સામાનની વિગત, અન્ય વેપારીને સામાન મોકલવાનો હોય તેની વિગત, પોતાનો અને માલ લેનારનો જીએસટી નંબર, જે વાહનમાં સામાન મોકલવામાં આવી રહ્યો છે તેની વિગત, વાહન નંબર, વાહનનું નામ વગેરે અપલોડ કરવાનું રહેશે.

ત્યારબાદ સામાન કયાંથી (સરનામું) નીકળીને કયાં જશે તેની જાણકારી-વિગતો પણ અપલોડ કરવાની રહેશે, જેના કારણે જે રૂટ પરથી વાહન પસાર થશે તે રૂટની તમામ જીએસટી કચેરી પર મોબાઇલ એપ થકી જાણકારી પહોંચી જશે.

કોઇ સંજોગોમાં વાહન અટકાવવામાં આવે તો એપમાં રજૂ કરાયેલી વિગતો પ્રમાણેનો જ સામાન નીકળશે તો જીએસટી વિભાગ તરફથી વેપારીને કોઇ પણ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો નહીં પડે.

મોબાઇલ એપમાં એવી પણ સુવિધા અપાઇ છે કે સામાન મોકલવા માટે વાહનનો જે નંબર લખ્યો હશે અને જો વાહનમાં ફેરફાર થશે તો વેેેપારી એપમાં વાહનની વિગત અને નંબર બદલીને તેને અપડેટ કરી શકશે અને તેની માહિતી પણ વિભાગને ઓનસ્ક્રીન મળી જશે. આ ઉપરાંત માલ મોકલનાર અને માલની ડિલિવરી મેળવનાર વેપારીઓના જીએસટી નંબર અપલોડ થયા હશે, તેના કારણે રિફંડની ઝંઝટમાંથી પણ રાહત મળશે. ઇ-વે બિલ જનરેટ કરવાની મુશ્કેલી પડતી હોવાથી હવે વેપારીઓની સરળતા માટે વિભાગે મોબાઇલ એપ તૈયાર કરી લીધી હોવાનું અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

ટૂંક સમયમાં જ ઇ-વે બિલ મોબાઇલ એપની જાહેરાત કરવામાં આવશે, જેથી વેપારી જયાં પણ હશે, પોતાના મોબાઇલથી જ ઇ-વે બિલ જનરેટ કરી શકશે.(૨૩.૧૧)

(3:45 pm IST)