મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

વિશ્વમાં આપઘાત કરનાર મહિલાઓમાં દર ત્રીજી મહિલા ભારતનીઃ દર ચોથો પુરૂષ ભારતીય હોય છે

મહિલા આપઘાતમાં ભારતનો ક્રમ છઠ્ઠોઃ ગ્રીનલેંડ પ્રથમ ક્રમેઃ દક્ષિણના રાજ્યોમાં મહિલાઓના આપઘાત વધુ

નવી દિલ્હી, તા. ૧૩ :. દુનિયામાં આત્મહત્યા કરતી મહિલાઓમાં દર ત્રીજી મહિલા ભારતીય હોય છે. જ્યારે આત્મહત્યા કરનાર દરેક ચોથો પુરૂષ ભારતીય હોય છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયાના બુધવારે પ્રકાશીત થયેલા એક સ્ટડીમાં આ ખુલાસો થયો છે. શોધકર્તાઓએ આ નિષ્કર્ષ ૧૯૯૦થી ૨૦૧૬ વચ્ચે થયેલી આત્મહત્યાના આંકડાના આધારે મેળવ્યો છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે ૧૯૯૦માં ભારતમાં કુલ ૧,૬૪,૪૦૪ લોકોએ આત્મહત્યા કરી હતી જે વર્ષ ૨૦૧૬માં ૪૦ ટકા વધીને ૨,૩૦,૩૧૪ થઈ હતી. જે તે વર્ષે દુનિયાભરમાં થયેલી કુલ આત્મહત્યા ૮,૧૭,૧૪૭ના ૨૮.૨ ટકા હતી. એમાંથી મહિલાઓની આત્મહત્યાની સંખ્યા ૯૪૩૮૦ હતી. જે દુનિયામાં મહિલાઓની કુલ આત્મહત્યા ૨,૫૭,૬૨૪ના ૩૬.૬ ટકા હતી. જ્યારે પુરૂષો દ્વારા કરાયેલ આત્મહત્યાઓની સંખ્યા ૧,૩૫,૯૩૪ હતી જે દુનિયાભરમાં પુરૂષો દ્વારા કરાયેલ આત્મહત્યા ૫,૫૯,૫૨૩ના ૨૪.૩ ટકા હતી. ૨૦૧૬ના આંકડાઓ માનીએ તો ભારતમાં મહિલા આત્મહત્યાનો દર પ્રતિ લાખે ૧૪.૭નો છે જ્યારે દુનિયાનો આ દર ૭ પ્રતિ લાખ છે. આમ ભારતમાં તે દર બમણાથી પણ વધારે છે.

ઉંમરના હિસાબથી જોવામાં આવે તો સૌથી વધુ આત્મહત્યા ૧૫ થી ૩૯ વર્ષની ઉંમરમાં થાય છે. ૨૦૧૬માં આત્મહત્યા કરનાર મહિલાઓમાં ૭૧.૨ ટકા મહિલાઓ આ ઉંમરની હતી. જ્યારે આત્મહત્યા કરનાર ભારતીય પુરૂષોમાં ૫૭.૬૫ આ ઉંમરના હતા.(૨-૧)

 

(11:38 am IST)