મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે ૧૦ ડિસેમ્બરે ફેંસલો

બ્રિટનની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવીઃ કિંગફિશર દ્વારા લેવાયેલી લોનની સાથે સંબંધિત ક્રિમિનલ પગલાઓનો સામનો કરવા માલ્યાને ભારત મોકલી શકાય

લંડન, તા. ૧૨: વિવાદોમાં ઘેરાયેલા શરાબ કારોબારી વિજય માલ્યાના સંદર્ભમાં ચુકાદો ૧૦મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે. ફ્રોડના આરોપોનો સામનો કરવા ભારતમાં બ્રિટનથી પ્રત્યાર્પણ કરીને વિજય માલ્યાને મોકલવામાં આવશે કે કેમ તે અંગે ૧૦મી ડિસેમ્બરના દિવસે ફેંસલો થશે. ઇંગ્લેન્ડના ચીફ મેજિસ્ટ્રેટ ઇમા અરબથનોટ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. તેમની નિષ્ક્રિય બની ગયેલી કિંગફિશર એરલાઈન્સ દ્વારા લેવામાં આવેલી લોન સાથે સંબંધિત ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા બ્રિટનથી ૬૨ વર્ષીય કારોબારીને ભારત મોકલવાની માંગણી ભારત સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી છે. ૧.૪ અબજ ડોલરની વસુલાત માટે ભારતીય સત્તાવાળાઓ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોતાની અંતિમ રજૂઆતમાં માલ્યાના વકીલે કહ્યું હતું કે, ભારત તેમની સામે રહેલા પુરાવાને રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. પ્રત્યાર્પણ માટે જરૃરી દસ્તાવેજો સરકાર આપી શકી નથી. બીજી બાજુ વિજય માલ્યાએ એમ કહીને સરકારની ચિંતા વધારી દીધી છે કે, તેઓ વિદેશ આવતા પહેલા જેટલીને મળ્યા હતા. માલ્યાએ દાવો કર્યો હતો કે, બે વર્ષ અગાઉ ભારત છોડતા પહેલા તેઓ નાણામંત્રી અરુણ જેટલીને મળ્યા હતા. માલ્યાના નિવેદન તરફ ધ્યાન દોરવામાં આવ્યા બાદ જેટલીએ ફેસબુક પેજમાં કહ્યું હતું કે, વિજય માલ્યા દ્વારા મિડિયાને આપવામાં આવેલા નિવેદન તરફ તેઓ ધ્યાન દોરી રહ્યા છે. જેટલીએ કહ્યું હતું કે, વિજય માલ્યા સેટલમેન્ટની એક ઓફર સાથે તેમને મળ્યા હતા. બાકી તમામ પ્રકારના આક્ષેપ આધારવગરના છે. તેમને મળવા માટે તેમને કોઇપણ એપોઇન્ટમેન્ટ આપી ન હતી જેથી તેમને મળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતાં નથી. અરુણ જેટલીએ આ પ્રકારના આક્ષેપોને ફગાવી દીધા હતા. ભારત છોડવાના કોઇ સંકેત આપ્યા હતા કે કેમ તે અંગે પૂછવામાં આવતા જેટલીએ રદિયો આપ્યો હતો.

(12:00 am IST)