મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

સેનાનું કદ ઘટશેઃ દોઢ લાખ સૈનિકો ઘટાડાશે

ખર્ચ ઘટાડીને અતિ આધુનિક હથિયારો અને સાધનોની ખરીદી પર અપાશે જોર

નવી દિલ્હી તા.૧૨: સેનાના વડા બિપિન રાવતે મંગળવારે ઉચ્ચ સેના અધિકારીઓ સાથે એક મહત્વપુર્ણ મિટિંગ કરી હતી. મિટિંગનો ઉદ્દેશ સેનાના રક્ષા બજેટનો ઉચીત વપરાશ સેનાના પુર્નગઠનની સમિક્ષા કરવાનો જણાવાઇ રહયો છે. સુત્રો અનુસાર, સૈન્ય વડા ઇચ્છે છે કે ૧૨.૬ લાખ સૈનિકોની સેનાને થોડી નાની કરવામાં આવે જેથી રક્ષા બજેટનો ઉચીત વપરાશ કરી શકાય.

સેનામાં લગભગ દોઢ લાખ સૈનિકો ઘટાડવાની વિચારણા ઘણા સમયથી ચાલી  રહી છે. જેનું કારણ એ છે કે હાલમાં રક્ષા બજેટનો ૩૩ ટકા હિસ્સો સૈનિકોના પગારમાંજ ખર્ચાઇ જાય છે અને હથિયારો અને સાધનો માટે માત્ર ૧૭ ટકા જ બચે છે.

રક્ષા મંત્રાલયના સુત્રોનું માનવામાં આવે તો આવતા બે વર્ષમાં ૫૦,૦૦૦ (પચાસ હજાર) સૈનિકો ઘટાડવાની શકયતા છે. જયારે ૨૦૨૨-૨૩ સુધીમાં વધુ ૧ લાખ સૈનિકો ઓછા કરાશે, ભારતીય સેના કેડર સમીક્ષા હેઠળ આમ કરી શકે છે. સેના મુખ્યાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે હમણાં જ સેનાધ્યક્ષે સેનાના પુર્નગઠન માટે ચાર સ્ટડી ગ્રુપ બનાવ્યા હતા. માનવામાં આવે છે આ ચારે સ્ટડી ગ્રુપ પોતાના રીપોર્ટ ટુંક સમયમાં સેનાધ્યક્ષને સોંપી દેશે. ત્યાર પછી ઓકટોબરમાં સેના કમાંડરોની બેઠકમાં આ રીપોર્ટ પર ચર્ચા થયા પછી રક્ષા મંત્રાલયને મંજુરી માટે મોકલી અપાશે.

રક્ષા બજેટનો પ૦ ટકા જેટલો હિસ્સો થલ સેનાને મળે છે જયારે બાકીના પ૦ ટકા વાયુ સેના અને નેવીના ભાગે આવે છે. થલસેનાનું સ્વરૂપ બહુ મોટું હોવાથી તેના બજેટનો એક મોટો ભાગ સૈનિકોના પગાર અને બીજી જરૂરિયાતોમાં વપરાઇ જાય છે. સૈન્યના એક ઉચ્ચ અધિકારી અનુસાર રક્ષા બજેટના ૬૫ ટકા પગારમાં અને ૩૫ ટકા હથિયારો ખરીદવામાં વપરાય તેમ સેના ઇચ્છે છે. જો આવતા ૪-૫ વર્ષોમાં દોઢ લાખ સૈનિકો ઓછા થાય તો ઓછામાં ઓછા પ થી ૮ હજાર કરોડ રૂપિયા બચાવી શકાય. જે હથિયારો ખરીદવામાં વાપરી શકાય.

(4:05 pm IST)