મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

રૂપિયો ફરી ધડામઃ ૭૩ ભણીઃ ઘર ચલાવવાનું ૩૦ ટકા મોંઘુ થયું

અમેરિકી ડોલરના મુકાબલે આજે સવારે રૂપિયો ૨૨ પૈસા તૂટી ૭૨.૯૧ ઉપર પહોંચ્‍યોઃ રોજેરોજ નવુ તળીયુ જોવા મળી રહ્યુ છે : એક મહિનામાં ડોલર ૪ રૂપિયા મોંઘો થયોઃ ૧૨ ઓગષ્‍ટે ૬૯થી નીચો હતો હવે ૭૩ની નજીકઃ રૂપિયો ઘસાતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગીઃ ઈંધણ મોંઘુ થવાથી ઘરનું બજેટ વેરવિખેર

નવી દિલ્‍હી, તા. ૧૨ : ડોલરના મુકાબલે રૂપિયો રોજે રોજ નીચલા સ્‍તરને સ્‍પર્શ કરી રહ્યો છે. આજે રૂપિયાએ ફરી એક વખત ડોલરની સામે નવો રેકોર્ડ નીચલો સ્‍તર બનાવ્‍યો છે. શરૂઆતના ટ્રેડીંગમાં જ રૂપિયો ૭૨.૯૧ પ્રતિ ડોલર સુધી ગગડી ગયો હતો. જે અત્‍યાર સુધીનું સૌથી નિચલુ સ્‍તર છે. આજે પ્રારંભે રૂપિયો ૨૨ પૈસા જેટલો તૂટયો હતો. જે રીતે રૂપિયો ગગડી રહ્યો છે તે જોતા મોંઘવારીનો બોમ્‍બ હજુ વધુ બિહામણી રીતે ફુટે તેવી શકયતા છે. ગઈકાલે રૂપિયો ૭૨.૬૯ ઉપર બંધ રહ્યો હતો.

આજે પણ ડોલરના મુકાબલે ભારતના રૂપિયામાં ઘસારો જોવા મળ્‍યો હતો. છેલ્લા એક મહિનામાં ડોલરનો ભાવ લગભગ ૪ રૂપિયા વધી ગયો છે. એક મહિના પહેલા ૧૨ ઓગષ્‍ટના રોજ ડોલરનો ભાવ ૬૯ રૂપિયાથી નીચે હતો. હવે તે ૭૩ની નજીક પહોંચી ગયો છે. રૂપિયામાં આવેલા આ ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી છે. એક મહિના પહેલા ડોલરનો ભાવ ૬૯ રૂપિયા હતો તો દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૭૭.૨૩ રૂપિયા પ્રતિ લીટર હતો. હાલ દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૮૦.૮૭ રૂા. પ્રતિ લીટર થયો છે. દેશના કેટલાક ભાગમાં પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ડોલરના મુકાબલે રૂપિયો તૂટતા અને ક્રૂડ મોંઘુ થવાથી ઘરના બજેટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. પેટ્રોલીયમ પેદાશો ખાસ કરીને ડીઝલના ભાવમાં વધારો થતા દૈનિક જરૂરીયાતની વસ્‍તુઓ મોંઘી થવા લાગી છે. ડુંગળી, બટેટા અને લીલા શાકભાજીના ભાવ ૩૦ ટકા જેટલા વધ્‍યા છે. તો બ્રેડ અને ઈંડા જેવી ચીજો પણ મોંઘી થઈ છે. ડીઝલનો ભાવ વધતા પરિવહન પણ મોંઘુ થયુ છે. આ મહિને ૭ દિવસમાં ડીઝલ ૧.૬૫ રૂા. અને પેટ્રોલ ૧.૩૧ રૂા. મોંઘુ થયુ છે. છેલ્લા ૧ પખવાડીયામાં ગૃહસ્‍થી ચલાવવાનું ૩૦ ટકા મોંઘુ થયુ છે. દિલ્‍હીમાં બટેટાના ભાવ ૨૦ રૂપિયા હતા જે વધીને ૨૫ થયા છે અને ડુંગળી પણ ૨૦ થી વધી ૨૫ થઈ છે. આ જ રીતે લીલા શાકભાજી પણ કિલોએ ૧૦ રૂપિયા મોંઘા થયા છે. એટલુ જ નહી ચોખા અને દાળ પણ ૧૦ રૂા. મોંઘા થઈ ગયા છે. બ્રેડનો ભાવ ૩૫ થી વધુ ૪૦ થયો છે તો ઈંડાનો ભાવ ૫૦ના ડઝનથી વધીને ૫૫ના ડઝન થયા છે.

બજારના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે વિદેશી નિવેશકો દ્વારા પોર્ટફોલીયો નિવેશમાં ભારે કાપ તથા ૨૦૧૯ની ચૂંટણી અંગે કેટલીક રાજકીય અનિતિતાઓને કારણે વિદેશી મુદ્રા વિનીમય બજારની ધારણા પ્રભાવિત થઈ છે

(3:47 pm IST)