મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

હાર્દિક પટેલના પારણાઃ આંદોલન યથાવત

તમામ છ પાટીદાર સંસ્થાઓ-સમાજના વડીલો અને પાસના કન્વીનરોની અપીલ-વિનંતીને હાર્દિકે આપ્યુ માન : નરેશભાઇ પટેલ-પ્રહલાદભાઇ પટેલના હસ્તે પારણા કરી ઉપવાસ છોડયાઃ હાર્દિકના જીવનને ખતરો ન પહોંચે તેવી તમામની હતી લાગણી

રાજકોટ તા. ૧ર : પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  વિવિધ માંગણીઓ સાથે છેલ્લા ઓગણીસ દિવસથી ચાલતા શ્રી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો ઓગણીસમાં દિવસે અંત આવ્યો છે. આજે બપોરે ર વાગે  હાર્દિક પટેલ પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક સંસ્થાઓના વડીલોની હાજરીમાં ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ અને ઉમીયાધામ ઉંઝાના પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલના  હસ્તે પારણા ૩ વાગ્યે કર્યા હતાં.

 રાજકોટથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ જામનગર રોડ પરના એક કાર્યક્રમમાંથી સીધા ઉપવાસી છાવણીએ જવા  અમદાવાદ પહોંચ્યા હતાં.

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન આજે સમેટાઇ ગયું હતું. હાર્દિકનો ઓગણીસમો ઉપવાસ આખરી બની ગયો હતો. અને ખોડલધામ-ઉમીયાધામ (ઉંઝા) સીદસર, અમદાવાદ અને સુરતની ધાર્મિક સંસ્થા સહિત પાટીદાર સમાજની મુખ્ય છ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના મુખ્ય પ્રતિનિધિઓની હાજરીમાં  હાર્દિક પટેલ બપોર ૩ વાગે પારણા કર્યા  છે.

  આજે બપોરના ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ, ઉમીયાધામ (ઉંઝા) ના  પ્રમુખ પ્રહલાદભાઇ પટેલ, સી. કે. પટેલ સહિતના તમામ છ મુખ્ય પાટીદાર ધાર્મિક સંસ્થાના આગેવાનો સોલા ખાતે ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતાં. જયાં તમામ આગેવાનોએ પ્રાથમિક ચર્ચાઓ પણ કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અગાઉ હાર્દિકને રૂબરૂ મળી ચર્ચાઓ કરી તેને પારણા કરી લેવા અને તેની યોગ્ય માંગણીઓ અંગે સરકાર સમક્ષ ચર્ચ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન ગુજરાત તથા દેશના અન્ય રાજયોના રાજકીય પક્ષોના આગેવાનો, સંતો-મહંતો પણ હાર્દિકને મળ્યા હતા અને આંદોલનમાં સૂર પુરાવીને હાર્દિકને પારણા કરવા સમજાવ્યો હતો. દરમ્યાન ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્યો પણ હાર્દિકને મળ્યા હતા અને હાર્દીકને પારણા કરી લેવા સમજાવ્યો હતો.

આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની ખાસ મિટીંગમાં હાર્દિકના જીવન ઉપર ખતરો સર્જાય નહિ અને જીવશું તો લડશું અને લડશું તો જીતશું ના સુત્ર મુજબ હાર્દિક પટેલને ઉપવાસ છોડવા અપીલ કરતો ઠરાવ સર્વાનુમતેુ કરાયો હતો. ખોડલધામ-ઉમીયાધામ સહિત પાટીદાર સમાજની તમામ ૬ સંસ્થાઓના વડીલોએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી. ત્થા કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો અન્ય ધાર્મિક સંસ્થાઓના વડાઓએ પણ હાર્દિકને ઉપવાસ છોડવા અપીલ કરી હતી.

ગઇકાલે પાટીદાર સમાજનાં રમેશભાઇ દૂધવાળા સહિતના આગેવાનો પણ ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યકત કરી હતી.

દરમ્યાન આજે સવારથી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલને સમેટી લેવા તથા હાર્દિકને પારણા કરાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને છ મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલ સહિતના આગેવાનોના હસ્તે બપોર બાદ પારણા ૩ વાગ્યે પારણા કરાવ્યા હતાં.

પાસના તમામ કાર્યક્રમ અને માંગણીઓ અંગે હાર્દિક પટેલની આગેવાની હેઠળ આંદોલન ચાલુ રહેશે તેમ શ્રી મનોજ પનારાએ જણાવ્યું છે.

(3:47 pm IST)