મુખ્ય સમાચાર
News of Saturday, 13th August 2022

‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવું' જેવી સ્‍થિતી : હવે મીઠું પણ થશે મોંઘુ

મુંબઇ,તા. ૧૩ : મોંઘવારીમાં પીસાઇ રહેલી પ્રજાના ડામ પર મીઠું ઉત્‍પાદક કંપનીઓ હવે ‘ઘા પર મીઠું ભભરાવવું'જેવુ કામ કરશે. ઘઉં, લોટ, ખાંડ બાદ હવે કંપનીઓએ મીઠુંની પણ કિંમત વધારવાનો નિર્ણય લીધો છે.

ટાટા ગ્રૂપની ટાટા કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ કંપનીએ ટાટા સોલ્‍ટના ભાવ વધારવાના સંકેત આપ્‍યા છે.

ટાટા કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સના સીઇઓ સુનીલ ડિસૂઝાએ કહ્યુ કે, મીઠું પર મોંઘવારીનું દબાણ વધી રહ્યુ છે. પરિણામ અમને કિંમત વધારવાની ફરજ પડી શકે છે. સતત મોંઘવારી વધવાથી કંપનીની આવક અને માર્જિન પર અસર થઇ રહી છે. એવામાં માર્જિનને જાળવી રાખવા માટે અમારે મીઠુંની કિંમત વધારવી પડશે.

ટાટા સોલ્‍ટના સૌથી સસ્‍તા મીઠુંના એક કિગ્રાના પેકેટની કિંમત જે રૂ. ૨૫ છે જે હવે વધીને રૂ. ૨૮થી૩૦ થઇ શકે છે. જો કે કંપનીએ હાલ મીઠુંના ભાવ કેટલા વધશે તે અંગે ખુલાસો કર્યો નથી.

મીઠુંના ભાવ નક્કી કરવામાં બે પરિબળો - બ્રાઇન અને ઇંધણ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્રાઇનની કિંમત ગત વર્ષે ઉંચા સ્‍તરે પહોંચ્‍યા બાદ ત્‍યાં સ્‍થિર છે, પરંતુ ઇંધણનો ખર્ચ સતત વધી રહ્યો છે જેના પગલે અમારા માર્જિન પર મોટું દબાણ દેખાઇ રહ્યુ છે. 

(10:25 am IST)