મુખ્ય સમાચાર
News of Thursday, 13th August 2020

મુખ્યમંત્રી અશોક ગેહલોતનો આત્મવિશ્વાસ : કહ્યું 19 ધારાસભ્યો વગર પણ બહુમતી સાબિત કરી દેત.

અત્યારે પણ અમે જાતે ગૃહમાં વિશ્વાસ મત લાવીશું.: કાલે રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થશે

જયપુર: રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય સંકટનો અંત આવી ગયો છે. પરંતુ ટોચના સ્તરે કડવાહટ હજુ દેખાઈ રહી છે. બળવો કરનાર સચિન પાઇલટ સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે 19 ધારાસભ્યો વગર પણ અમે બહુમતી સાબિત કરી દેત. એટલું જ નહીં અત્યારે પણ અમે જાતે ગૃહમાં વિશ્વાસ મત લાવીશું.

રાજ્યમાં બંને નેતાઓ વચ્ચે લાંબા સમય સુધી વિવાદ હતો અને કોંગ્રેસના ટોચના નેતૃત્વ વચ્ચે પડતા વિવાદ થાળે પળ્યો છે. વિવાદ ખતમ થયા પછી બંને નેતાઓની આજે મુલાકાત થઈ.

કાલે શુક્રવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્ર પહેલાં મુખ્યમંત્રી નિવાસ પર કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક થઈ હતી. જેમાં સચિન પાઇલટ અને CM અશોક ગેહલોત જૂથના બધા ધારાસભ્યો એક સાથે દેખાયા હતા.

દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાઇલટની પણ મુલાકાત થઈ. બેઠક દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી વિધાનસભામાં કોંગ્રેસ ખુદ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે.

પાઇલટ સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે વિધાનસભામાં વિશ્વાસ મત જાતે લાવશે. જોકે મુખ્યમંત્રીની વાતમાં ત્યારે નારાજગી પણ જોવા મળી જ્યારે તેમણે જણાવ્યું કે જે વાતો થઈ તેને ભૂલી જવી જોઈએ. અમે આ 19 ધારાસભ્યો વગર પણ બહુમત સાબિત કરી દેત.

જોકે ધારાસભ્યોની નારાજગી પર સીએમ અશોક ગેહલોતે જણાવ્યુ કે કોઈ પણ ધારાસભ્યની ફરિયાદ છે તો તેને દૂર કરાશે. અત્યારે ઇચ્છે તો હાલ બાદમાં ઇચ્છે તો બાદમાં મળી શકે છે.

રાજસ્થાનમાં શુક્રવારથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યો છે. તેને જોતા ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક થઈ. ભાજપની આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ સામેલ થઈ. જ્યારે કેન્દ્રીય નેતૃત્વ તરફથી પ્રતિનિધિએ પણ બેઠકમાં ભાગ લીધો.

બેઠક પછી ભાજપે જાહેરાત કરી છે કે તે કાલે જ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. આવામાં અશોક ગેહલોત સામે બહુમત સાબિત કરવાનો પડકાર છે.

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા ગેહલોત સરકાર બળવા ધારાસભ્યોને એક સાથે લાવવાના પ્રયાસમાં છે. આ ક્રમમાં આજે ગુરુવારે સચિન પાઇલટ જૂથના બે મોટા માથા ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહનું નિલંબન પાર્ટીથી પરત લઇ લીધું છે.

(10:43 pm IST)