મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

જમ્મુ-કાશ્મીર અને લડાખને લઇ ટૂંકમાં મોટી ઘોષણા થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ મુકેશ અંબાણીની જાહેરાત : જમ્મુ કાશ્મીર, લડાખમાં વિકાસ સાથે જોડાયેલ ગતિવિધિ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવાશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત

નવી દિલ્હી, તા. ૧૨ : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીર અને લડાખમાં વિકાસ કામોની યોગ્ય રૂપરેખા તૈયાર કરવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરશે. ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ તેઓ આને લઇને ખુબ જ ગંભીર છે અને ટૂંક સમયમાં જ કોઇ મોટી જાહેરાત કરશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર અને લડાખમાં મૂડીરોકાણ ઉપર વડાપ્રધાનની મનની વાત તેઓએ સાંભળી છે. અંબાણીએ કહ્યું હતું કે, અમે જમ્મુ કાશ્મીર અને લડાખના વિકાસ માટે કટિબદ્ધ છીએ.

    તેમણે એમ પણ કહ્યું હતું કે, આળનાર દિવસોમાં જમ્મુ કાશ્મીર અને લડાખ માટે કેટલીક જાહેરાતો કરશે. અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જમ્મુ કાશ્મીર અને લડાખમાં વિકાસ સાથે જોડાયેલી ગતિવિધિઓ માટે ટાસ્ક ફોર્સ બનાવશે. ભારત સરકારે પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર બંધારણની કલમ ૩૭૦ને દૂર કરી દીધા બાદ રાજ્યને જમ્મુ કાશ્મીર અને લડાખ બે ભાગમાં વિભાજિત કરવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નામ સંબોધનમાં જમ્મુ કાશ્મીર અને લડાખના ઉજ્જવળ ભાવિની ઇચ્છા વ્યક્ત કરીને કહ્યું હતું કે, કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીર અને લડાખ માટે વિકાસના દ્વાર ખુલી ગયા છે. દેશ અને દુનિયાની કંપનીઓને આગળ આવવા મોદીએ અપીલ કરી હતી. વડાપ્રધાને બોલીવુડથી લઇને પ્રવાસ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને આગળ આવવા અપીલ કરી હતી.

         વડાપ્રધાનના આ અનુરોધ પર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીે વિશેષ વર્કફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત અને રિલાયન્સનું ભાવિ આજથી પહેલા ક્યારે પણ આટલું ઉજ્જવળ દેખાતું ન હતું. જેમ જેમ ભારત ન્યુ ઇન્ડિયામાં બદલાઈ રહ્યું છે તેમ રિલાયન્સ પણ પોતાને ન્યુ રિલાયન્સમાં બદલવામાં વ્યસ્ત છે.

(12:00 am IST)