મુખ્ય સમાચાર
News of Monday, 13th August 2018

જીભ સંભાળીને બોલો

અમિત શાહે હેમા માલિનીને આપી સલાહઃ અભિનેત્રીએ એમ કહેલું કે હું ઉત્તર પ્રદેશની મુખ્ય પ્રધાન ચપટી વગાડતાં થઇ શકું છું

નવી દિલ્હી તા. ૧૩ :.. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઇકાલે પક્ષના વિધાનસભ્યોને ર૦૧૯ ની આગામી લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદાસ્પદ નિવેદનો કરવાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

સુત્રોએ જણાવ્યા મુજબ અમિત શાહે મીટીંગમાં વિશેષપણે સંગીત સોમ, હેમા માલિની, સુરેશ રાણા, મુરલી મનોહર જોશી, સંજીવ બલયાન અને રાજેન્દ્ર અગરવાલને ચેતવણી આપી હતી.

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલાં હેમા માલિની આજકાલ તેમનાં વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં છે, જેને કારણે બીજેપીને આગામી ચૂંટણીમાં આકરાં પરિણામો ભોગવવા પડી શકે છે. મથુરાથી ચૂંટાઇ આવેલાં સંસદસભ્ય હેમા માલિનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે 'તે ધારે તો એક મીનિટમાં મુખ્ય પ્રધાન બની શકે એમ છે, પણ તે પોતાની જાતને બાંધવા માગતી નથી.' આ અગાઉ કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટના વખતે તેમણે આ ઘટના માટે મુંબઇમાં વધી રહેલી વસ્તીને જવાબદાર ગણાવી હતી. કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટનામાં ૧૪ જણનાં મૃત્યુ થયા હતાં. સોમ, રાણા અને બલયાન ર૦૧૩ માં થયેલા મુઝફફરનગરના રમખાણના આરોપી છે જેમાં ૬ર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. (પ-૬)

(10:28 am IST)