મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

કોરોનાગ્રસ્ત વ્યકિતએ કોવિડ-૧૯ પાર્ટીનું આયોજન કર્યુઃ થયું મોત

ન્યૂયોર્ક, તા.૧૩: એક કોરોનાગ્રસ્ત વ્યકિત દ્વારા હોસ્ટ કરવામાં આવેલી કોવિડ-૧૯ પાર્ટીમાં સામેલ થયા બાદ ટેકસાસના એક ૩૦ વર્ષીય વ્યકિતનું મોત થઈ ગયું છે. આ જાણકારી એક ડોકટરે આપી છે. ડોકટર જેન એપ્પલબીએ જણાવ્યું હતું કે, મહામારીને કારણે જીવ ગુમાવનારા વ્યકિતએ વિચાર્યું કે કોરોના વાયરસ માત્ર એક ભ્રમથી વધારે કંઈ નહીં.

તેમણે રવિવારે જણાવ્યું કે, કેટલાક લોકોને તેના કોરોનાગ્રસ્ત હોવાની જાણ થઈ હતી અને તેમણે વિચાર્યું કે તેઓ તેની સાથે મળીને કોરોનાને માત આપી શકે છે જેના માટે તેમણે પાર્ટીનું આયોજન કર્યું હતું. ડોકટરે જણાવ્યું કે, દુૅંખની વાત એ છે કે તેણે મૃત્યુ પહેલા નર્સને જણાવ્યું કે મને લાગે છે મેં મોટી ભૂલ કરી છે. તેણે વિચાર્યું કે આ બીમારી માત્ર એક ભ્રમ છે. તેને લાગ્યું કે તે યુવાન છે અને કોરોનાને માત આપી શકે છે.

અમેરિકાના ડોકટરે જણાવ્યું કે, યુવાન દર્દીઓને ખબર નથી પડતી કે તેઓ કેટલા બીમાર છે. તેઓ બીમાર દેખાતા નથી પરંતુ જયારે તમે તેમના ઓકિસજનના સ્તર અને તેમના લેબ પરિક્ષણોની તપાસ કરો છો તો તમને ખબર પડે છે કે તેઓ કેટલા બીમાર છો. લોકોએ કોરોનાને જોખમને ગંભીરતાથી લેવાની જરૂર છે.

(3:48 pm IST)