મુખ્ય સમાચાર
News of Saturday, 13th July 2019

અલ નીનોની અસર સમાપ્તઃ હવે ચોમાસુ સક્રિય થશે

અમેરિકી મોસમ એજન્સીએ લોકોને હાશકારો થાય તેવુ અનુમાન બહાર પાડયું : જુલાઈમાં ચોમાસુ સામાન્યથી ૨૨ ટકા વધારે રહેશેઃ જો કે પશ્ચિમ ભારતે હજુ રાહ જોવી પડશેઃ દક્ષિણ ભારતમાં વરસાદ પડશે

નવી દિલ્હી, તા. ૧૩ :. આ મહિને ચોમાસુ પહેલાથી સારૂ રહેવાની સંભાવના છે. આનુ કારણ એ છે કે અલ નીનો નબળુ પડી રહ્યુ છે. અમેરિકી હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે અલ નીનો આવતા એક કે બે મહિનામાં ગાયબ થઈ જશે.

અલ નીનોને કારણે જૂનમાં ચોમાસા પર માઠી અસર પડી હતી અને ૩૩ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી અલ નીનો સપ્ટેમ્બરના અંત સુધી અસર પાડશે તેવુ અનુમાન હતું પરંતુ કલાઈમેટ ટ્રીડીકશન સેન્ટર અને અમેરિકાની રાષ્ટ્રીય એજન્સી દ્વારા ગઈકાલે એવુ નિવેદન આવ્યુ છે કે અલ નીનો ઘણુ નબળુ પડી ગયુ છે. હવામાનના અધિકારીઓનું કહેવુ છે કે ચોમાસા પર છવાયેલ અલ નીનોની છાયા હવે ઘટી રહી છે જે ચોમાસા માટે સારી છે.

માનવામાં આવે છે જુલાઈમાં ચોમાસુ સામાન્યથી ૨૨ ટકા વધારે રહેશે. જો કે દેશભરમાં ખાસ કરીને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ આવતા ત્રણ ચાર દિવસ સુધી પડે તેવી શકયતા નથી. આ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ થશે.

(11:22 am IST)