મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

ઇન્ફોસીસનો નફો ૩.૭ ટકા સુધી વધ્યો : પરિણામ જાહેર

નેટ નફો વધીને ૩૬.૧૨ અબજ રૂપિયા થયો : એક વર્ષ અગાઉની સરખામણીમાં કંપનીના નેટ નફામાં ઉલ્લેખનીય વધારો : એક ફ્રી શેરના ઇશ્યુની મંજુરી મળી

મુંબઇ,તા. ૧૩ : દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની ઇન્ફોસી દ્વારા આજે તેના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ફોસીસ બોર્ડ દ્વારા દરેક શેર માટે એક ફ્રી શેરના ઇશ્યુને મંજુરી આપી હતી. ઇન્ફોસીસે ૩૦મી જૂન ૨૦૧૮ના દિવસે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના કન્સોલીડેટ નેટ પ્રોફિટમાં ૩.૭ ટકાનો વધારો દર્શાવ્યો હતો. આની સાથે જ નફો ૩૬.૧૨ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એક વર્ષ અગાઉના ગાળામાં નેટ નફો ૩૪.૮૩ અબજ રૂપિયાનો હતો. બેંગ્લોર સ્થિત કંપનીના ઓપરેશનથી રેવેન્યુમાં ૧૨ ટકાનો વધારો થતાં આંકડો એપ્રિલ-જૂનના ત્રિમાસિકગાળામાં ૧૨ ટકા વધીને ૧૯૧.૨૮ અબજ રૂપિયા થઇ ગયો છે. બીએસઈ ફાઇલિંગમાં ઇન્ફોસીસ દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. ઇન્ફોસીસ બોર્ડ દ્વારા દરેક શેર ૧:૧ બોનસ ઇશ્યુ માટે પ્રતિ ફ્રી શેરના ઇશ્યુને મંજુરી આપી દેવામાં આવી છે.ઇન્ફોસીસે રેવેન્યુ ગ્રોથમાં પણ ઉલ્લેખનીય સુધારો કરીદીધો છે. સીઈઓ અને કંપનીના એમડી સલીમ પારેખે કહ્યું છે કે, મજબૂત રેવેન્યુ અને માર્જિન પરફોર્મન્સ દર્શાવે છે કે, ડિજિટલ અને આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સના આધાર પર અમે ભાર મુકી રહ્યા છે. જેના પરિણામ સ્વરુપે અમારા ક્લાઇન્ટોમાં વિશ્વાસ વધી રહ્યો છે. માર્કેટમાં કંપની સારી સ્થિતિ જોઈ રહી છે. શેરબજારમાં આજે કારોબાર પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ઇન્ફોસીસના શેરમાં ૧.૧૨ ટકાનો વધારો નોંધાયો હતો. તેના શેરની કિંમત ૧૩૦૯.૧ રૂપિયા રહી હતી. કંપનીએ એપ્રિલ મહિનામાં જાહેરાત કરી હતી કે, તે સ્પેશિયલ ડિવિડંડ મારફતે ૨૬ અબજ રૂપિયા સહિત શેરધારકોને ૧૩૦ અબજ રૂપિયાની ચુકવણી કરશે. ટીસીએસે નેટનફામાં ૨૩.૪ ટકાનો વધારો હાલમાં જાહેર કર્યો હતો.

(7:32 pm IST)