મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

ભારતમાં ૭૪ ટકા સ્ત્રીઓમાં વિટામીન D ની ઊણપ

નવી દિલ્હી તા.૧૩: ભારતીય મહિલાઓમાં વિટામીન 'ડી' ને લઇને ફરી એકવાર ચર્ચા શરૂ થઇ છે કારણ કે એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૭૪ ટકા મહિલાઓમાં આ વિટામીનની ઊણપ છે. આના કારણે મહિલાઓને ઓસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીઝ, સાંધામાં દુખાવો અને પગમાં સોજો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.  સુર્યપ્રકાશમાં રહેવામાં આવે અને સુર્યનાં કિરણો ચામડી પર પડે ત્યારે આ વિટામીન તૈયાર થાય છે. દિલ્હી મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સિનિયર ફિઝિશિયન ડો. અનિલ બંસલે કહયું હતું કે 'દેશમાં મોટા ભાગની મહિલાઓ સાડી કે સલવાર-કુર્તા જેવા પોશાક પહેરે છે જેથી તેમના શરીર પર સુરજનાં કિરણો પડતાં નથી. ગુહિણીઓ આખો દિવસ ઘરમાં રહે છે. જે મહિલાઓ નોકરી કરે છે તેઓ ઓફિસમાં મોટા ભાગનો સમય વિતાવે છે. અને તેઓ સુર્યપ્રકાશથી બચવા માટે શરીના અંગોને ઢાંકી દેતી હોય છે. આમ સુર્યનાં કિરણોમાં નહીં રહેવાથી તેમનામાં વિટામીન 'ડી'ની ઊણપ દેખાય છે. સૂર્યનાં કિરણોમાં રહયા વિના આ વિટામીન બનવું શકય નથી. આની ઊણપ દૂર કરવા માટે સવાર અથવા સાંજ એક કલાક સૂર્ય પ્રકાશમાં રહેવું જરૂરી છે અથવા ખોરાકમાં ઇંડાનો પીળો હિસ્સો, મશરૂમ, લીલી શાકભાજી અને સેલ્મોન અને ટયૂના જેવી માછલીનો સમાવેશ જરૂરી છે. આ સિવાય વિટામીન 'ડી'ની સ્પ્લીમેન્ટ્સ પણ લઇ શકાય છે.

(4:24 pm IST)