મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

GST સિસ્ટમની ક્ષતિ : ૮૦,૦૦૦ વેપારી માઇગ્રન્ટથી વંચિત

GST સરળ બનાવવા ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો.એ તૈયાર કરેલું ફોર્મેટ અમલી કરવા માંગઃ GSTમાં જરૂ.રી સુધારાની ચર્ચા માટે અમદાવાદમાં દેશભરના સેલ્સ ટેકસ બાર એસોસિએશનોની ૧૪મીથી મીટીંગ

અમદાવાદ તા. ૧૩ : GSTના અમલને એક વર્ષ પુરુ થઇ ગયું છતાં તેની ઘણી ક્ષતિઓ હજુ સુધારવામાં આવી નથી, તેથી વેપારીઓ પરેશાન છે. GST સિસ્ટમમાં રહેલી ક્ષતિઓને કારણે ૮૦ હજારથી વધુ વેપારીઓ વેટમાંથી GSTમાં માઇગ્રન્ટ થઇ શકયા જ નથી. ઉપરાંત, હજુ સુધી ખરીદનાર-વેચનારનું ઇનવોઇસ મેચ ન થતાં તકલીફો થઇ રહી છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જાય અને GST ભરવું સરળ થઇ જાય તેના માટે ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસિએશન દ્વારા ખાસ ફોર્મેટ તૈયાર કરી GST કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યું છે પણ કોઇ કારણોસર તે અમલમાં આવતું નથી. આવા જ પ્રશ્નોની ચર્ચા માટે આગામી તા. ૧૪-૧૫મીએ અમદાવાદમાં દેશભરના સેલ્સ ટેકસ બાર એસોસિએશનના અગ્રણીઓની મીટિંગ મળનાર છે. આ મીટિંગમાં ઓડિટ સર્ટિફિકેશન, GST એજયુકેશન સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. .

GSTના અમલ પહેલા દેશભરમાં ઉગ્ર વિરોધ થયો હતો. હવે વેપારીઓએ GSTનો સ્વીકાર કરી લીધો છે અને ટેકસ ભરવા માગે છે પણ GSTના ક્ષતિગ્રસ્ત પોર્ટલ અને જટિલ પદ્ઘતિને લીધે ભરી શકતા નથી. આ તકલીફો ટેકસ પ્રેકિટસનર્સને પણ પડી રહી છે. ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો. ઉપરાંત દેશભરના જુદા જુદા સંગઠનો દ્વારા આ મુદ્દે નાણાં મંત્રી અને GST કાઉન્સિલ સુધી રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઇ સુધારા થઇ રહ્યા નથી. એસો.ના અગ્રણીઓના જણાવ્યા મુજબ હજુ દેશમાં ૮૦ હજાર વેપારીઓ GSTમાં માઇગ્રન્ટ થઇ શકયા નથી. ઘણા રાજયોમાં કેટલાક વેપારીઓને બબ્બે GST નંબર ઇસ્યૂ થઇ ગયા છે. આ બધી સમસ્યાઓ ઉપરાંત GSTR-3ની વિગતો ખરીદનાર જોઇ શકે છે પરંતુ તેમાં કોઇ ભૂલનો સુધારો કરવો હોય તો તે વિગતો વેચનાર જોઇ શકતો નથી. માટે જ હજુ સુધી ઇનવોઇસ મેચિંગ થતું નથી જેને કારણે વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે. .

ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો.ના હોદ્દેદારો અક્ષત વ્યાસ, નિગમ શાહ તથા વારિશ ઇશાનીએ જણાવ્યું હતું કે GSTની પ્રક્રિયા સરળ થઇ જાય તેના માટે ગુજરાત સેલ્સ ટેકસ બાર એસો.એ ખાસ ફોર્મેટ તૈયાર કર્યું છે. જેના અમલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે છતાં તેનો અમલ થતો નથી. આવા જ પ્રશ્નોની ચર્ચા માટે ૧૪-૧૫મી જૂલાઇએ અમદાવાદમાં દેશભરના સેલ્સ ટેકસ એસો.ના અગ્રણીઓની ખાસ બેઠક યોજાઇ છે.(૨૧.૭)

(10:59 am IST)