મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

સંઘે ઉઠાવ્યા સવાલ

સંજુ - રઇસ જેવી ફિલ્મો કોના કહેવાથી બને છે? 'પીકે'માં હિન્દુ ધર્મની ઉડાવાઇ મજાક

નવી દિલ્હી તા. ૧૩ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર 'પાંચજન્ય'માં 'કિરદાર, દગાદાર'ના મથાળા હેઠળ પ્રસિદ્ઘ થયેલી કવર સ્ટોરીમાં આક્ષેપ કરાયો હતો કે 'સંજુ', 'રઇસ', 'હસીના પારકર', 'વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ''વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ દોબારા'અને 'ડી કંપની'જેવી ફિલ્મો બનાવીને સંજય દત્ત, ગુજરાતના કુખ્યાત ગુનેગાર અબ્દુલ લતીફ, હાજી મસ્તાન, છોટા રાજન, અરુણ ગવળી, દાઉદ ઇબ્રાહિમ, તેની બહેન હસીના પારકર જેવા અનેક ગુનેગારના ગુના પર ઢાંકપિછોડો કરવા અને તેઓના ગુણગાન ગાઇને તેઓને મહાન વ્યકિત તરીકે રજૂ કરવા ખોટો પ્રયાસ થઇ રહ્યો છે.

તેણે સવાલ કર્યો હતો કે મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ અંધારી આલમના ડોન અને માફિયાઓમાં શું કામ વધુ રસ દાખવી રહ્યો છે?

આરએસએસના મુખપત્ર 'પાંચજન્ય'માં જણાવાયું હતું કે લોકો સોશિયલ માધ્યમમાં સવાલ કરી રહ્યા છે કે ફિલ્મ ઉદ્યોગ કોના કહેવાથી ગુનેગારોને 'મહાન વ્યકિત'તરીકે રજૂ કરતી ફિલ્મો બનાવી રહ્યો છે? શું આ ફિલ્મો બનાવવા અખાતના દેશોમાંથી ભંડોળ મળે છે? મુસ્લિમ ફિલ્મનિર્માતાઓ ત્રણ ખાનની ફિલ્મ જ શું કામ વધુ બનાવી રહ્યા છે? આવી ફિલ્મો બનાવીને કોણ ભારતના સાર્વભૌમત્વને પડકારવા અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરી રહ્યું છે?

રાજકુમાર હીરાનીએ ૨૦૧૪માં 'પીકે' ફિલ્મ બનાવીને હિંદુ ધર્મની મજાક ઉડાડી હતી.'પાંચજન્ય'ના તંત્રી હિતેશ શંકરે ગુનેગારોના ગુના પ્રત્યે ઢાંકપિછોડો કરતી અને તેઓને મહાન વ્યકિત તરીકે રજૂ કરતી ફિલ્મો સમાજ સામે જોખમી ગણાવી હતી.(૨૧.૬)

 

(10:58 am IST)