મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

નવાઝ-મરીયમ લંડનથી રવાનાઃ સાંજે લાહોર પહોંચશેઃ તરત જ ધરપકડ

ભ્રષ્ટાચારના કેસમાં ૧૧ વર્ષની સજા પડયા બાદ લંડનથી વાયા અબુધાબી લાહોર પહોંચતા જ ધરપકડ કરી હેલીકોપ્ટર મારફત બન્નેને જેલમાં લઈ જવાશેઃ સાંજે ૬.૧૫ કલાકે લાહોર પહોંચશેઃ લાહોરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાઃ નવાઝના પક્ષ દ્વારા મહારેલીનું આયોજનઃ હિંસા થવાના એંધાણ

લંડન, તા. ૧૩ :. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પોતાની પુત્રી મરીયમ સાથે પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે. આજે સવારે તેઓ લંડનથી રવાના થયા છે. ડોન અખબારના જણાવ્યા પ્રમાણે નવાઝ અને મરીયમ લાહોરના અલ્લામાં ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે ૬.૧૫ કલાકે પહોંચશે. બન્ને  ઈતિહાદ એરવેઝની ફલાઈટ ઈવી-૨૪૩થી વાયા અબુધાબી આવી રહ્યા છે. બન્ને લાહોર એરપોર્ટ પહોંચે કે તરત જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે અને હેલીકોપ્ટર થકી ઈસ્લામાબાદ લઈ જવામાં આવશે. મળતી માહિતી મુજબ તેઓને અડીયાલા જેલમાં રાખવામાં આવશે. એનએબીની ટીમ બન્નેની ધરપકડ કરશે. દરમિયાન આજે સવારે નવાઝ શરીફના પૌત્ર જુનેદ સફદર અને જકારીયા હુસેનની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે પનામા પેપર લીક બાદ તેમની વિરૂદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના ૩ કેસમાંથી ૧ કેસમાં નવાઝ શરીફને થોડા દિવસ પહેલા જ એક ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે ૧૧ વર્ષની કેદની સજા ફરમાવી છે. પાકિસ્તાનમાં ૨૫મીએ ચૂંટણી છે અને આ ધરપકડની ચૂંટણી પર અસર પડશે તે નક્કી છે.

આજે સવારે લંડનથી નિકળતા પહેલા મરીયમે ટ્વીટર પર એક તસ્વીર જારી કરી છે. જેમાં બન્ને કુલસુમ નવાઝથી વિદાય લેતા દેખાય છે. કુલસુમ લંડનની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. દરમિયાન લાહોરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૧૦,૦૦૦ પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. નવાઝ શરીફના પક્ષના કાર્યકરોએ એરપોર્ટ સુધીની માર્ચનું એલાન કર્યુ છે. તકેદારીના પગલા રૂપે પોેલીસે તેમના પક્ષના ૧૦૦થી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે.

નવાઝ શરીફે કહ્યુ છે કે, હું મારી બિમાર પત્નિને લંડનમાં અલ્લાહના ભરોસો છોડી રહ્યો છું. મને જેલમાં નાખવામાં આવે કે ફાંસી પર ચઢાવી દેવામાં આવે હું કોઈપણ પરવાહ કર્યા વગર પાકિસ્તાન પાછો ફરી રહ્યો છું. તેમને કહ્યુ છે કે, મને દુઃખ થાય છે કે બિમાર પત્નિને વેન્ટીલેટર પર છોડવી પડી રહી છે. હું વોટને સન્માન આપવાના વચનને પુરો કરવા મરીયમને લઈને આવી રહ્યો છું.

પાકિસ્તાનમાં ૨૫મીએ સામાન્ય ચૂંટણી છે. નવાઝે કહ્યુ છે કે હું નિર્દોષ છું. મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. દરમિયાન નવાઝના પૌત્ર જુનેદ સફદર અને જકારીયા હુસેનની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. બન્ને લોકોએ દેખાવો કર્યા હતા. જુનેદ મરીયમ નવાઝ અને જકારીયા હુસેનના પુત્ર છે. એવુ પણ જાણવા મળે છે કે નવાઝ અને મરીયમની અબુધાબી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવશે. બન્ને ત્યાં ૭ કલાક રોકાશે અને પછી ૬.૧૫ કલાકે લાહોર પહોંચશે અને બન્નેને અદીયાલા જેલ મોકલી દેવાશે. એક દિવસ અદીયાલા જેલમાં વિતાવ્યા બાદ બન્નેને અટોક ફોર્ટમાં ટ્રાન્સફર કરાશે.(૨.૩)

(10:16 am IST)