મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

થરૂરના હિન્દુ પાકિસ્તાનના નિવેદન પર ભારે હોબાળો

ભાજપના શશી થરૂર ઉપર તેજાબી પ્રહારો :રાહુલ ગાંધીના ઇશારાથી હિન્દુ લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે :ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાનો આક્ષેપ

નવીદિલ્હી, તા. ૧૨ :હિન્દુ પાકિસ્તાન નિવેદનને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા શરૂ થઇ ગઈ છે. રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે ભાજપે હવે કોંગ્રેસના સાંસદ શશી થરુર ઉપર આકરા પ્રહારો કર્યા છે. એકબાજુ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, શશી થરુર માનસિક સમતુલા ગુમાવી ચુક્યા છે. બીજી બાજુ ભાજપના પ્રવક્તાએ પણ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા છે. ભાજપે શશી થરુરના નિવેદનને વોટબેંક પોલિટિક્સ સાથે જોડીને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના સેક્યુલરિઝમને બોગસ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી છે. ભાજપ તરફથી પાર્ટીના પ્રવક્તા સંદીપ પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી મોદીની સામે બોલવા માટે દેશના લોકતંત્ર ઉપર પ્રહાર કરે છે. તેઓએ આને હિન્દુઓ ઉપર હુમલા તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. થરુરે કેન્દ્રમાં સત્તારુઢ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, ૨૦૧૯માં ભાજપ જો ફરી જીતી જશે તો સમગ્ર દેશ હિન્દુ પાકિસ્તાનમાં ફેરવાઈ જશે. બીજી બાજુ થરુરે પોતાના નિવેદનને લઇને મક્કમ વલણ અપનાવ્યું છે. થરુરે ફેસબુક પોસ્ટ મારફતે ભાજપ ઉપર પોતાના પ્રહારોને વધુ તીવ્ર બનાવ્યા છે. તેઓએ કહ્યું છે કે, પહેલા પણ તેઓ આ વાત કરી ચુક્યા છે. આ બાબત ઉપર મક્કમ છે. પાકિસ્તાનનો જન્મ એક વિશેષ ધર્મ અને વિશેષ જાતિ માટે થયો હતો જેના લીધે દેશના લઘુમતિઓની સાથે ભેદભાવ કરવામાં આવ્યા હતા. લઘુમતિ લોકોને પાકિસ્તાનમાં તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. ભારતે એવા તર્કને ક્યારે પણ સ્વીકાર કર્યા નથી જેના આધાર પર બંને દેશો વચ્ચે વિભાજનની સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસ સાંસદે ભાજપ અને સંઘ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ અને સંઘ હિન્દુ રાષ્ટ્રના વિચાર અને પાકિસ્તાનની એવી વિચારધાર નજરે પડે છે. શશી થરુરે કહ્યું છે કે, એક રાજ્ય જ્યાં બહુવસ્તી ધરાવતા દેશમાં લઘુમતિઓને દબાવીને રાખવામાં આવે છે જ્યારે પાકિસ્તાનમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે. ભાજપે શશી થરુરના નિવેદનને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસેથી માફીની માંગણી કરી છે. સંદીપ પાત્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના ઇશારે પાર્ટીના નેતા હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધી હિન્દુ લોકોથી નફરત કરે છે. તેઓ પોતે પણ આ પ્રકારના નિવેદન કરી ચુક્યા છે. સંદીપ પાત્રાએ કહ્યું હતું કે, અગાઉ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, દિગ્વિજયસિંહ, સૈફુદ્દીન સોઝ, સુશીલકુમાર શિંદે પણ આ પ્રકારના નિવેદન કરી ચુક્યા છે. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું હતું કે, આ શશી થરુરને ભ્રમ છે અને તેમને એવું લાગે છે કે, કોંગ્રેસ પાર્ટી સત્તામાં પણ આવનાર નથી. કોંગ્રેસ પાર્ટીના લોકોએ બંધારણ સાથે રમત રમીને લોકોના અધિકારો અને સ્વતંત્રતાને આંચકી લીધી હતી.

(12:00 am IST)