મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓની જાહેરમાં માફી : રિક્ષામાં લાઉડ સ્પીકર લગાવી કહ્યું - ભાજપા ફ્રોડ પાર્ટી

લાભપુર, બોલપુર અને સૈંથિયાથી લઇ હુગલી ધનિયાકલી સુધીમાં ભાજપા કાર્યકર્તાઓએ આ રીતે સાર્વજનિક માફી માગી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી TMCના બાગી નેતાઓનો ભારતીય જનતા પાર્ટીથી મોહભંગ થવા લાગ્યો છે. તેની વચ્ચે ભાજપાના ઘણાં કાર્યકર્તા લોકોની વચ્ચે માફી માગી કબૂલી રહ્યા છે કે તેમણે ભગવા પાર્ટીને ખોટી સમજી લીધી હતી. તેમણે આ વાતની જાહેરાત ઈરિક્શા પર ફરીને લાઉડસ્પીકર દ્વારા કરી હતી

બીરભૂમ જિલ્લામાં લાભપુર, બોલપુર અને સૈંથિયાથી લઇ હુગલી જિલ્લાના ધનિયાકલી સુધીમાં ભાજપા કાર્યકર્તાઓએ આ રીતે સાર્વજનિક માફી માગી. જોકે, ભાજપા કાર્યકર્તાઓનો આરોપ છે કે, આ માફી પાછળ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેજા હેઠળની TMCની ડરાવવાની અને ધમકાવવાની ચાલ છે. બોલપુર વોર્ડ સંખ્યા 18માં જાહેરમાં માફીના એલાન દરમિયાન કહ્યું, ભાજપાએ સમજાવીને મનાવ્યા હતા.

પણ તે ફ્રોડ પાર્ટી છે. અમારી પાસે મમતા બેનર્જી ઉપરાંત અન્ય કોઇ વિકલ્પ નથી અને અમે તેમના વિકાસ કાર્યક્રમનો ભાગ બનવા માગીએ છીએ.

મુકુલ મંડલ નામના એક ભાજપા કાર્યકર્તાએ જણાવ્યું, અમે ભાજપાને ખોટું સમજી બેઠા, અમે TMCમાં જવા માગીએ છીએ. સૈંથિયામાં તો ભાજપાના 300 કાર્યકર્તાઓએ શપથ લીધા પછી TMCમાં જોડાઇ ગયા. જેમાંથી એક પૂર્વ ભાજપા યુવા મોરચા મંડલ અધ્યક્ષ તપસ સાહા પણ છે. તેણે કહ્યું, અમે ભાજપામાં ભૂલથી ચાલ્યા ગયા. અમે મમતાના વિકાસના કામોનું સમર્થન કરવા આજે જ TMCમાં જોડાઇ રહ્યા છે. ભાજપામાં હું કશું કરી શકતો નથી. પણ હું તૃણમૂલના વિકાસ કામોમાં ભાગ લેવા જઇ રહ્યો છું.

ધનિયાખલીમાં TMC નેતાઓ પાસેથી પોતાના અડિયલ અને ખરાબ વર્તનને લઇ જાહેરમાં માફી માગ્યા પછી ભાજપા કાર્યકર્તાઓને નવી પારી શરૂ કરવાની મંજૂરી આપી દીધી. તો હુગલીમાં ભાજપા નેતાઓએ દાવો કર્યો કે, તેમના કાર્યકર્તાઓને ટીએમસી જોઇન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે.

ભાજપામાં સામેલ થઇ પશ્ચિમ બંગાળની ચૂંટણી લડનારા રાજ્યના પૂર્વમંત્રી રાજીવ બેનર્જીએ પોતાની જૂની પાર્ટીમાં વાપસીની અટકળોની વચ્ચે શનિવારે TMCના મહાસચિવ કુણાલ ઘોષ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે લાંબી ચર્ચા થઇ હતી. આ ઘટનાક્રમ ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મોજૂદગીમાં TMCમાં ફરી સામેલ થયાના એક દિવસ પછી સામે આવ્યો છે. ઘોષે ત્યારપછી મીડિયાને જણાવ્યું કે આ શિષ્ટાચાર હેઠળની મુલાકાત હતી.

(11:18 pm IST)