મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

આઝાદીના 75મા વર્ષમાં યુવક-યુવતી ના લગ્નની વય સમાન કરવા નીતિ ઘડવામાં આવશે

ટાસ્‍ક ફોર્સના રીપોર્ટ અંગે થતી ચર્ચા-વિચારણા : ધૂમ્રપાનની ઉંમરમાં પણ વધારો થઇ શકે : જો બધુ ઠીક ઠીક થશે તો ૧પ ઓગસ્‍ટે વડાપ્રધાન જાહેરાત કરશે

નવી દિલ્હીઃ દેશ આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. તેની સાથે સરકાર યુવક-યુવતીના લગ્ન માટેની વય  એક સમાન કરવા જઇ રહી છે. ઉપરાંત તમાકુ-દારુ સેવન અને ઇન્ટરનેટ સર્ફિંગ માટેની ન્યુનત વય મર્યાદા પણ વધારવાની તૈયારી થઇ રહી છે.

ભારતમાં લગ્ન માટેની કાયદાકીય વય યુવતની 21 અને યુવતીની 18 વર્ષ છે. પરંતુ બંનેની સમાન વય 21 વર્ષ કરવા સંબંધી ટાસ્ક ફોર્સના રિપોર્ટ અંગે નીતિ પંચની બે વખત બેઠક મળી ગઇ છે અને તેના પર અંતિમ મ્હોર મારવાની તૈયારી હોવાના અહેવાલ છે.

એવું જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 15મી ઓગસ્ટે લાલ કિલા પરથી આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ લગ્નની વયમાં ફેરફાર કરવાના પહેલાં જ સંકેત આપી દીધા હતા.

આવી જ રીતે સિગારેરટ-તમાકુ અને દારુના સેવન માટેની વયમર્યાદા પણ વધારવામાં આવશે. તેના માટે સમગ્ર દેશમાં દારુના સેવન માટેની વય એક સમાન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કાયદાકીય અધિકાર હેઠળ લાવવામાં આવશે. હાલ દારુના સેવન માટેની વય નક્કી કરવાનો અધિકાર રાજ્યો પાસે છે. જો કે દારુ સેવનની ન્યુનતમ વય 25 વર્ષ કરવા દબાણ છે.

ધુમ્રપાન અમે તમાકુના સેવન માટેની વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા માટેના બિલનો મુસદ્દો તૈયાર છે. સાથે એરપોર્ટ અને રેસ્ટોરન્ટમાં સ્મોકિંગ ચેમ્બરની વ્યવસ્થા પણ નાબુદ કરવામાં આવશે.

ઉપરાંત ઇન્ટરનેટ પર ડેટા સંરક્ષણ હેઠળ બાળકોની વય અંગે નિર્ણય લેવાની વાત છે. ડેટા પ્રોટેક્ષન બિલ અંગે સંસદની સંયુક્ત સમિતિના રિપોર્ટને અંતિમ રુપ આપવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ઇન્ટરનેટ સર્ફિંગ માટે કોને બાળક માનવામાં આવે તે સવાલ છે. કારણ કે દેશમાં ઘણા મામલે બાળકોની પરિભાષિત વય 18 વર્ષથી ઓછી રાખવામાં આવી છે. અમેરિકા અને યુરોપ સહિતના ઘણા દેશોમાં બાળક એટલે 13 વર્ષથી નીચેના અને તેનાથી વધુ વયનાને પુખ્ત માનવામાં આવે છે. ભારતમાં સોશિયલ મીડિયા કંપનીઓઓ સંસદીય સમિતિ સમક્ષ આ જ તર્ક રાખ્યો છે.

(4:08 pm IST)