મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

ચીની 5જી ટેકનોલોજીને મ્‍હાત કરવા GTU સ્‍વદેશી 5જી ટેકનોલોજી એન્‍ટેના વિકસાવશે

નવી ટેકનોલોજીથી ઇન્‍ટરનેટની સ્‍પીડ તો વધશે જ સાથે ટેકનોલોજીના નવા જનરેશનની શરૂઆત થશે

ગાંધીનગર: છેલ્લા 2 દાયકાથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5જી) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5G એન્ટેના વિકસાવવામાં આવશે. જેનાથી સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે.

ડૉ. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 22 લાખથી વધુની ગ્રાંન્ટ મળેલ છે. તેમના જણાવ્યા અનુસાર, GTU ખાતે સુપર કોમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5G એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

આ ઉપરાંત 1 થી 10 ગીગા બીટની સ્પિડથી 500 થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે. આઈઓટી આધારીત ડિવાઈસને 5Gથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે એટલે કે 5 થી 10 મીલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

4Gમાં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 5G એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબીટ ડેટા ટ્રાન્સફર સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. એટલે કે 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે.

વધુમાં તેમણે કહ્યું કે , તેમના દ્વારા વિકસાવામાં આવતાં 5G એન્ટેનામાં 5G સહિત 3G , 4G અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ. મકવાણા દ્વારા વિકસાવવામાં આવતાં 5G એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

(4:07 pm IST)