મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

મી ટુ : નાના પાટેકરને અંતે ક્લીનચીટ મળતા તનુશ્રી દત્તા ખફા

તનુશ્રી દત્તાએ પોલીસ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા : પોલીસની કાર્યવાહીની સામે તનુશ્રી દત્તાએ પ્રશ્નો ઉઠાવ્યા

મુંબઈ, તા. ૧૩ : જાતિય શોષણના મામલામાં અભિનેતા નાના પાટેકરને આજે પોલીસ તરફથી ક્લીનચીટ મળી હતી. મી ટુના મામલામાં નાના પાટેકરને ક્લીનચીટ મળ્યા બાદ અભિનેત્રી તનુશ્રી ભારે લાલઘૂમ દેખાઈ હતી. તનુશ્રીએ સમગ્ર મામલા પર નારાજગી વ્યક્ત કરીને પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તનુશ્રી દત્તાએ નાના પાટેકરને ક્લીનચીટ આપવાની સૂચના મળ્યા બાદ નિવેદન કરતા કહ્યું હતું કે, ભ્રષ્ટ પોલીસ ફોર્સ અને કાનૂન વ્યવસ્થાએ પણ નાના પાટેકરને ક્લીનચીટ આપી છે જેના ઉપર પહેલા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અનેક મહિલાઓએ ધાક ધમકી આપવા, ભયભીત કરવા અને ઉત્પીડનના આરોપ મુક્યા છે. એક ભ્રષ્ટ વ્યક્તિને ભ્રષ્ટ પોલીસ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે. આ પહેલા તનુશ્રીના વકીલે નિવેદન જારી કરતા કહ્યું હતુ ંકે, હજુ સુધી પોલીસ તરફથી કોઇ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. માહિતી મળ્યા બાદ હવે ક્લોઝર રિપોર્ટને કોર્ટમાં રજૂ કરીને તેનો વિરોધ કરવામાં આવશે. તનુશ્રી દત્તાએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ હોર્ન ઓકે માટે એક આઈટમ સોંગના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેને ખોટીરીતે સ્પર્શ કરવાના પ્રયાસ કર્યા હતા. તેમનો વિરોધ કરવામાં આવ્યા બાદ અને ગીતનું શૂટિંગ કરવાથી ઇન્કાર કરવામાં આવ્યા બાદ તેના ઉપર હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સાથે સાથે હુમલા કરાવવામાં આવ્યા હતા. ધાક ધમકી પણ આપવામાં આવી હતી. તનુશ્રી દત્તાએ આ સમગ્ર વિવાદને છેડી દીધા બાદ જુદી જુદી અભિનેત્રીઓ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. અનેક અભિનેત્રીઓ તનુશ્રીની સાથે ઉભી પણ રહી હતી. તનુશ્રીનો સાથ આપીને કેટલીક અભિનેત્રીઓએ પોતાની ફરિયાદો પણ જાહેરમાં રજૂ કરી હતી.

(8:13 pm IST)