મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

દેશમાં લગભગ ૧૫.૨૦ કરોડ બાળકો કરે છે બાળ મજૂરીઃ ૧૦માંથી ૬ ખેતરમાં કરે છે કામ

ક્રાઈ દ્વારા વર્ષ ૨૦૧૬માં ૨૦૧૧માં જાહેર થયેલી વસતી ગણતરીના આંકડાનું વિશ્લેષણ કર્યું હતું: જેમાં જાણવા મળ્યું હતું કે, ૧૮ વર્ષની નાની ઉંમરના ૬૨.૫ ટકા બાળકો ખેતી કે તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોમાં કામ કરે છે

નવી દિલ્હી, તા.૧૩: ભારતમાં બાળ મજૂરી કરતા મોટાભાગના બાળકો કોઈ ફેકટરી કે વર્કશોપમાં કામ કરતા નથી. તેઓ શહેરી વિસ્તારોમાં  ઘરેલી નોકર કે ગલીઓમાં લારીમાં સામાન વેચવાનું પણ કામ કરતા નથી, પરંતુ સૌથી વધુ બાળકો ખેતરોમાં કામ કરે છે. તેઓ ખેતરમાં વાવાણી, કાપણી, ઊભા પાક પર દવા છાંટવી, ખાતર નાખવું, પશુઓ અને છોડની દેખભાળ કરવી જેવા કામ કરે છે. ભારતમાં બાળકો માટે કામ કરતી સંસ્થા ક્રાઈએ આ માહિતી આપી છે.

આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધ દિવસ પ્રસંગે આપેલા એક નિવેદનમાં સંસ્થાએ ૨૦૧૧ની વસતીગણતરીના આધારે ૨૦૧૬માં તેના દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, ''દેશમાં ૧૮ વર્ષની નાની ઉંમરના ૬૨.૫ ટકા બાળકો ખેતી કે તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોમાં કામ કરે છે. કામ કરતા ૪.૦૩ કરોડ બાળકો અને કિશોરોમાંથી ૨.૫૨ કરોડ બાળકો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે.''

તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ( International labour organisation-ILO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં લગભગ ૧૫.૨૦ કરોડ બાળકો બાળ મજૂરી કરે છે. બાળ મજૂરી કરતા દર ૧૦ માંથી ૭ બાળક ખેતી કે તેની સાથે સંકળાયેલા વ્યવસાયમાં કામ કરે છે. એટલે કે ભારતમાં ૬૦ ટકા કરતા વધુ બાળકો ખેતીના વ્યવસાય સાથે સંબંધિત કાર્યોમાં બાળ મજૂરી કરે છે. સંસ્થાના અનુસાર સમગ્ર દુનિયામાં ખેતી બીજો સૌથી ખતરનાક વ્યવસાય છે.

ક્રાઈના આંકડા અનુસાર, ભારતના કેટલાક રાજયોમાં બાળ મજૂરીનો આંકડો દેશની સરેરાશ કરતાં પણ વધુ છે. ભારતમાં ૫-૧૯ વર્ષના કુલ ૪.૦૩ કરોડ બાળકો અને કિશોરો બાળ મજૂરી કરીને ઘર-પરિવારને ગુજરાનમાં મદદ કરે છે. જેમાંથી ૬૨ ટકા છોકરા અને ૩૮ ટકા છોકરીઓ છે. ક્રાઈના વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું છે કે, ખેતરોમાં મજૂરી કરતા મોટાભાગના બાળકો અભ્યાસ કરતા નથી. એટલે કે, બાળ મજૂરી કરતા દર ૪ બાળકમાંથી ૩ બાળક પાસેથી તેનો શિક્ષણનો અધિકાર છીનવી લેવામાં આવે છે.

ક્રાઈના અનુસાર બાળકોના કામ અને શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવામાં દ્યણા બધા પડકારો છે. ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા અનુસાર, શિક્ષણનો અધિકાર કાયદાની જોગવાઈ છતાં પણ ખેતરોમાં મજૂરી કરતા બહુ ઓછા બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.

(4:04 pm IST)