મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

મુંબઇમાં 'હાઇટાઇડ'નો ખતરોઃમહારાષ્ટ્રના બીચ બે દિવસ બંધ

આજે મુંબઇમાં દરિયાનાં મોજાં ૩.૮ર મીટર ઊછળવાનું અલર્ટ

મુંબઇ તા. ૧૩: ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન વાયુની અસર મુંબઇ અને આસપાસના કોંકણ વિસ્તારમાં વર્તાઇ રહી છે. આ તોફાનને લઇ મુંબઇના કેટલાય વિસ્તારમાં ઝડપી પવન સાથે વરસાદ થઇ રહ્યો છે. વાયુ ચક્રવાતના ખતરાને ધ્યાનમાં રાખીને મુંબઇના દરિયામાં હાઇટાઇડનો ખતરો તોળાઇ રહ્યો છે અને હવામાન વિભાગે હાઇરાઇડનું એલર્ટ જારી કર્યું છે. માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ઝડપી ફુંકાઇ રહેલા પવનના કારણે મુંબઇમાં બે ડઝનથી વધુ વૃક્ષ ધરાશાયી થયાં હોવાની જાણકારી બીએમસીને મળી છે.

માહિતી અનુસાર સૌથી વધુ વૃક્ષ બોરીવલી વિસ્તારમાં ધરાશાયી થયાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઇ શહેરમાં આજે પણ કલાકના પ૦ કિ.મી. ઝડપે તેજ પવન ફુંકાઇ શકે છે. મુંબઇના બાંદ્રા, દાદર, ખાર, અંધેરી સહિતના વિસ્તારમાં વરસાદ પડતાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે.

વાયુ ચક્રવાતને લઇ મહારાષ્ટ્ર સરકારે બે દિવસ માટે મુંબઇ સહિત મહારાષ્ટ્રના તમામ બીચ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર કોંકણ, પાલઘર, મુંબઇ, રાયગઢ, સીંધુ દુર્ગ, થાણે અને રત્નાગીરીના તમામ બીચ બે દિવસ બંધ રહેશે.

આ દરમિયાન માછીમારો સહિત સામાન્ય લોકોને પણ બીચની આસપાસ જવાની મંજૂરી મળશે નહીં. તેજ પવન અને તોફાન વચ્ચે સમુદ્રમાં છ મીટર ઉંચી બનતી હાઇટાઇડની સ્થિતિને જોતાં બીચ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:53 pm IST)