મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

જામીનની રકમ ત્રેવડ બહારની ન હોવી જોઈએ

સુપ્રિમનો મહત્વપૂર્ણ ચુકાદો

નવી દિલ્હી, તા. ૧૩ :. સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યુ છે કે જામીનની રકમ એવી ન હોવી જોઈએ જે અરજદારની ત્રેવડ બહારની હોય અને તે આપી શકવા માટે સક્ષમ ન હોય.

આવું કહેતા સુપ્રિમ કોર્ટે તમિલનાડુના ત્રિચીરાપલ્લીના એક મંદિરના મુખ્ય પુજારીને કોઈપણ રકમ જમા કરાવ્યા વગર જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો. પીઠે કહ્યુ કે જામીનની રકમ અરજદાર આપી શકે તેવી હોવી જોઈએ.

મદ્રાસ હાઈકોર્ટે એક પુજારીને આદેશ આપ્યો હતો કે તે ૭૦ લાખ રૂપિયા જમા કરાવીને જામીન પર છૂટી શકે છે. જામીનની આ રકમ મંદિરમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા સાત લોકોના પરિવારને ૧૦ - ૧૦ લાખ રૂપિયાના રૂપમાં આપવાની હતી.

હાઈકોર્ટમાં પુજારીના વકીલે કહ્યુ કે માર્યા ગયેલા લોકોને વળતર મળવુ જોઈએ જે દરેકને ૧૦ લાખ રૂપિયાની રકમ હોવી જોઈએ, પછી પુજારીએ અરજી કરી કે તે ગરીબ વ્યકિત છે અને મંદિરમાં પૂજા વગેરે સેવાઓ કરીને થોડાક પૈસા કમાય છે, પણ હાઈકોર્ટે અરજી રદ કરીને તેને પૈસા જમા કરાવવા માટે વધુ એક અઠવાડીયાનો વધુ સમય આપ્યો હતો. સુપ્રિમે પોતાના આદેશમાં કહ્યુ કે  આ તો સ્થાપિત કાયદો છે કે જામીનમાં એવી શરતો ન મુકાય કે જેમા ભારે રકમ જમા કરાવવી પડે અને જે અરજદારની આર્થિક હાલતની પહોંચ બહાર હોય. આવી શરતો મુકવાથી તે જામીન પર બહાર નહીં આવી શકે. આ એક રીતે તેને જામીન આપવાની ના પાડયા બરાબર ગણાય.

(3:43 pm IST)