મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

શિસ્ત જાળવવા માતાપિતા બાળક ઉપર અંકુશ લાદે છે

માતાપિતા શિસ્તને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે : મોટા શહેરોને આવરી લઇને કરાયેલા અભ્યાસમાં દાવો

નવી દિલ્હી,તા.૧૩: તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા  અને માહિતી સભર  અભ્યાસમાં જાણવા મળ્યંુ છે  મોટા ભાગના માતાપિતા ઘરમાં શિસ્તને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. શિસ્ત જાળવવા માટે તે દરેક પગલા લે છે. બાળકોને શિસ્તમાં રાખવા માટે તેમના પર નિયંત્રણો પર લાદે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે  ૬૫ ટકા ભારતીયો તેમના બાળકોને શિસ્તમાં રાખવા માટે હાથ ઉપાડે છે. આ અભ્યાસ ૧૦ શહેરોને આવરી લઈને કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ અને સુરતને પણ આવરી લેવામાં આવ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે માતા-પિતા ખૂબ જ નારાજ થઈ જાય છે ત્યારે બાળકોને સજા આપતા હોય છે. અમદાવાદ, મુંબઈ, સુરત, પૂણે, ચેન્નાઈ, બેંગ્લોર સહિતના ૧૦ શહેરોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે આશરે ૬૫ ટકા માતા-પિતા તેમના બાળકોને સજાના ભાગરૂપે ફટકારે છે. ૧૪ ટકા માતા-પિતા એક સપ્તાહમાં એક વખત તેમના બાળકોને સજાના ભાગરૂપે ફટકારે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે પિતાની સરખામણીમાં માતાઓ તેમના બાળકોને સજા કરવામાં આગળ રહી છે. આમા પણ ગૃહિણીઓ નોકરી કરતી મહિલાઓની સરખામણીમાં બાળકોને શારીરિક સજા વધુ કરે છે. બાળકોને માર મારવા માટેના જે મુખ્ય કારણો જાણવા મળ્યા છે તે એ છે કે બાળકો મોટાભાગે શિસ્તમાં રહેતા નથી જેથી માતા-પિતા હતાશા તરફ દોરી જાય છે. મેટ્રોમાં હાઈસ્ટ્રીસ લેવલ જોવા મળી રહ્યું છે જેના લીધે કાઉન્સીલરોની મદદ પણ લેવામાં આવી રહી છે. અખબારોમાં વારંવાર એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે સજા મળવાની સ્થિતિમાં બાળકો ઘરમાંથી ભાગી જાય છે અથવા વધુ કઠોર પગલાં પણ લે છે. આવા અહેવાલ વચ્ચે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈમાં ૧૦ માતા-પિતા પૈકીના ૭ માતા-પિતા તેમના બાળકોને સજાના ભાગરૂપે ફટકારે છે. અભ્યાસના તારણ સાથે કેટલાક માતા પિતા હજુ  પણ સહમત નથી. વધુ વ્યાપક અભ્યાસ હવે કરાશે.

(3:29 pm IST)