મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

તેલંગણની જેલમાં શરૂ થઇ એફએમ રડીયોની સુવિધા : અહીં કેદીઓ જ બને છે રેડિયો-જોકી

જેલમાં સજા કાપી રહેલા કેદીઓમાં પણ સર્જનાત્મકતા હોઇ શકે

હૈદ્રાબાદ તા ૧૩  :   જેલમા સજા કાપી રહેલા કેદીઓમાં પણ સર્જનાત્મકતા હોઇ શકે છે. કેદીઓને મનોરંજન આપવા તેમજ રચનાત્મક બનાવવા માટે તેલંગણાના જેલ  વિભાગે રાજયભરની જેલોમાં એફએમ રેડિયોની શરૂઆત કરી છે. અહીં રેડિયો- જોકીની ભૂમિકા પણ કેદીઓ જ નિભાવે છે. કેદીઓમાં સુધાર અને પુનર્વસન થાય એ માટે આ ખાસ યોજના છે, જેમાં કેટલાક પસંદગી પામેલા કેદીઓને એફ.એમ. રેડિયો સ્ટેશન અંતર્વાણી ચલાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. કેદીઓ પણ રેડિયો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે, જે તેમને ડિપ્રેશનથી બચાવે છે. રેડિયો સ્ટેશનોનું સંચાલન કરતા કેદીઓ જેલના ટાઇમ-ટેબલની પણ જાહેરાત કરતા રહે છે. એ ઉપરાંત દેશભકિત, ભકિતસંગીત અને લોકગીતો રેડિયો પર વગાડવામાં આવે છે. જેલના અધિકારીઓનું કહેવું છે કે અમારો ઉદ્દેશ કેદીઓમાં  સુધાર આવે અને  તેમનું પુનર્વસન સરળ બને એ છે. જેલમાંથી છુટીને તેઓ મુખ્ય પ્રવાહમાં ભળી શકે અને અહીંથી સજ્જન બનીને નીકળે આ જ હેતુથી જેલમાં રેડિયોની સુવિધા શરૂ થઇ છે.

પહેલી વાર હૈદ્રાબાદની જેલમાં અને પછી વારંગલના કેન્દ્રીય કારાગારમાં આ સુવિધા શરૂ થઇ હતી. (૩.૨)

 

(10:26 am IST)