મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

અનંતનાગ : સુરક્ષા દળ પર હુમલો, પાંચ જવાનો શહીદ

સીઆરપીએફના કાફલા ઉપર ફરીથી હુમલો : ત્રાસવાદીએ ઓટોમેટિક રાયફલોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો : ગ્રેનેડ ઝીંક્યા : અલ મુઝાહિદ્દીને લીધેલી જવાબદારી

અનંતનાગ, તા. ૧૨ : અમરનાથ યાત્રાથી પહેલા દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ આજે અહીં એક ભરચક વિસ્તારમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની પેટ્રોલિંગ ટુકડી ઉપર હુમલો કરી દીધો હતો. હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા. અન્ય બે જવાન ઘાયલ થયા હતા. જો કે, તેમને બચાવી શકાયા ન હતા. જમ્મુ કાશ્મીરના પોલીસના ઇન્સ્પેક્ટરને પણ ઇજા થઇ છે. આતંકવાદીઓએ કેપી રોડ ઉપર સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરી દીધો હતો. ઓટોમેટિક રાયફલથી ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોલીબાર કર્યો હતો. ત્યારબાદ ગ્રેનેડ ઝીંક્યા હતા. એક ત્રાસવાદી પણ ઠાર થયો છે. મોડી રાત સુધી આ અથડામણ જારી રહી હતી. અલઉમર મુઝાહિદ્દીન નામના આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકવાદી સંગઠનનું કહેવું છે કે, મુસ્તાક ઝરગર આ સંગઠનના લીડર તરીકે છે. બાલાકોટ એરસ્ટ્રાઇકના ગાળા દરમિયાન પણ તેને ટાર્ગેટમાં રાખવામાં આવ્યો હતો. મુસ્તાક જરગર એ જ આતંકવાદી છે જેને મસુદ અઝહર અને શેખ ઉમર સાથે ૧૯૯૯માં વિમાન અપહરણ બાદ યાત્રીઓના બદલામાં ભારત સરકારે મુક્ત કર્યા હતા. એક સ્થાનિક યુવતીને પણ આ હુમલામાં ગોળી વાગી હતી. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે ત્રાસવાદીઓ સામે સેનાએ અનેક મોટા ઓપરેશન પાર પાડ્યા છે જેમાં ૧૦૦થી પણ વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ હજુ પણ જારી છે. આ અથડામણ બાદ અનંતનાગમાં ઇન્ટરનેટ સેવાઓ રોકી દેવામાં આવી હતી. આ હુમલાથી ફરી એકવાર સાબિતી મળી રહી છે કે, જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ હજુ પણ સક્રિય થયેલા છે જે પરિસ્થિતિનો લાભ લઇ હુમલા કરી રહ્યા છે.

(12:00 am IST)