મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

પાકિસ્તાન તરફથી ધૂળની પ્રચંડ આંધી આવી રહી છે

આજે દિલ્હી સહિત આખુ ઉત્તર ભારત આવશે તેની ઝપટમાં : એલર્ટ જાહેર : પાકિસ્તાનના કરાંચી અને અફઘાનીસ્તાનના સિસ્તાનથી શરૂ થયેલ ધૂળની આંધી ભારત તરફ ધસમસી રહેલ છે

નવી દિલ્હીઃ ભીષણ ગર્મી સામે લડી રહેલ દિલ્હીમાં આગામી બે દિવસ શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ શકે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ઉઠેલી ધૂળની એક મોટી આંધી બુધવારે દિલ્હી- એનસીઆર સહિત  આખા ઉત્તર ભારતને બેહાલ કરી શકે છે. આની અસર આગામી બે દિવસો સુધી ચાલુ રહેવાની શકયતા છે. કેન્દ્ર સરકારની સંસ્થા સફર ઈન્ડીયાએ ગઈકાલે સાંજે આ અંગે એલર્ટ પણ જારી કરી દીધા છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

સફર ઈન્ડીયાના પ્રોજેકટ ડાયરેકટર ડોકટર ગુફરાન બેગ અનુસાર, મંગળવારે પાકિસ્તાનના કરાંચી અને અફઘાનિસ્તાનમાં સિસ્તાન બેગીન શહેરમાં ધૂળની એક મોટી આંધી ઉઠી છે. આ આંધી ભારત તરફ આગળ વધી રહી છે અને આજે તે ઉતર ભારતના મોટા ભાગના હિસ્સાને પોતાની ઝપટમાં લે તેવી શકયતા છે. આ આંધીને રાજસ્થાનના થરના રણની ધૂળ વધુ ખતરનાક બનાવશે.

સફર ઈન્ડીયા દ્વારા બહાર પડાયેલ એલર્ટ અનુસાર તેનાથી પીએમ ૨.૫ અને પીએમ ૧૦ બન્ને માત્રામાં ખાસ્સો વધારો થશે. વાયુ ગુણવતાનું સ્તર બહુ જ ખરાબ શ્રેણીથી ગંભીર શ્રેણીમાં પહોંચવાની શકયતા છે. જેના કારણે, શ્વાસના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને ગરમીની આ મોસમમાં પણ લોકોને માસ્ક પહેરવા મજબૂર થવું પડશે. જો કે સીપીસીબી સંપૂર્ણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

સફર ઈન્ડીયા અનુસાર, ગઈકાલે સાંજે પણ દિલ્હ બેહદ ખરાબ શ્રેણીમાં આવે છે. ઉનાળા દરમ્યાન આટલું વધારે પ્રદુષણનું સ્તર પહેલીવાર નોંધાયું છે.  જયારે અનેસીઆરમાં સૌથી વધારે પ્રદુષિત શહેર ગ્રેટર નોઈડા રહ્યું હતું. જયાં એર ઈન્ડેક્ષ ૩૫૩ પીએમ ૧૦ના સ્તર સામાન્યથી ૪ ગણું અને પીએમ ૨.૫નું સ્તર સામાન્યથી બે ગણું નોંધાયુ હતું.

સોમવારથી ભીષણ ગરમી પછી મંગળવારે દિલ્હીવાસીઓએ ગરમીમાં તો થોડી રાહત અુનભવી પણ ધૂળ તેમની મુશ્કેલી વધારી દીધી હતી. મંગળવારે સવારથી જ આંશિક રીતે વાદળો છવાયેલા રહ્યા. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ધૂળવાળી હવાઓ ચાલી હતી. તેની ધૂળ વાતાવરણમાં પણ છવાઈ હતી. જો કે મંગળવારે આવું થવાનું કારણ રાજસ્થાન તરફથી આવતી ધૂળવાળી હવાઓ હોવાનું જણાવાઈ રહ્યું છે. બુધવારે એમાં જયારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ધૂળ પણ શામેલ થશે. તો હવાની ગુણવતામાં વધુ ઘટાડો થશે. મંગળવારે કયાંક કયાંક છાંટાછુટી પણ થઈ હતી. મંગળવારે દિલ્હીનું મહતમ તાપમાન ૪૪.૫ હતું. જે સામાન્ય કરતા પાંચ ડીગ્રી વધારે હતું.

(12:43 pm IST)