મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

કાલે વ્હેલી સવારે ૪:૩૦ થી ૫ વચ્ચે વેરાવળ- પોરબંદર વચ્ચે ''વાયુ'' વાવાઝોડુ ત્રાટકશે

વેરાવળથી ૨૫૦ કિ.મી.દૂરઃ ૨૦ કિ.મી.ની ઝડપે આગળ ધસી રહ્યું છેઃ સોમનાથ- પોરબંદર- રાજકોટ- જુનાગઢ- જામનગર- દ્વારકા જિલ્લામાં તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડશેઃ કાંઠાળા વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાશેઃ હવામાન ખાતુઃ આજે સવારથી દરિયાના મોજા જોરદાર ઉછળવા લાગ્યાઃ દરિયા કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ બાંટવા- માણાવદર- કુતિયાણામાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઃ ખાનાખરાબી સર્જાશે

રાજકોટ,તા.૧૨: અરબી સમુદ્રમાં બનેલું ડીપ્રેશન ડીપડીપ્રેશન બની વાવાઝોડામાં પરીવર્તીત થયું છે. આ 'વાયુ' નામનું વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ ધસમસી રહ્યું છે. આ વાવાઝોડુ આવતીકાલે વ્હેલી સવારે ૪:૩૦ થી ૫ વચ્ચે વેરાવળ- પોરબંદરના દરિયામાં ત્રાટકશે. હાલમાં આ વાવાઝોડુ વેરાવળથી ૨૮૦ કિ.મી. દૂર છે અને દરિયામાં ૧૪ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.

હવામાન ખાતુ કહે છે કે વાવાઝોડુ 'વાયુ' આજે સવારે વેરાવળથી ૨૮૦ કિ.મી.દૂર છે. હવાનું દબાણ ૯૭૪ મીલીબાર છે. ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ ૧૪ કિ.મી.ની ઝડપે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે વ્હેલી સવારે ૪:૩૦ થી ૫ વચ્ચે વેરાવળ- પોરબંદરના દરિયામાં ત્રાટકશે.

આ વાવાઝોડુ દરીયામાંથી જમીન ઉપર આવશે ત્યારે તેની તિવ્રતા અતિ હશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, જામનગર, દ્વારકાના જિલ્લાઓમાં સૌથી વધુ અસર કરશે. હાલના અનુમાન મુજબ બાંટવા, માણાવદર, કુતિયાણા જિલ્લામાં ભયંકર ખાનાખરાબી સર્જાય તેવી શકયતા છે.

હવામાન વિભાગ કહે છે કે વાવાઝોડાની અસર સામાન્ય રીતે ૨૪ કલાક રહેતી હોય છે. ત્યારબાદ થોડુ નબળુ પડતું હોય છે. આવતીકાલનો દિવસ મહત્વનો છે. ખાસ કરીને કાંઠાળા વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડશે. ગુરૂ- શુક્ર- શનિ એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

(3:02 pm IST)