મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

આજે કેબિનેટમાં ફરીથી ત્રણ તલાક ખરડાને મંજૂરી અપાશે

૧૭ મીથી શરૂ થતાં સંસદના સત્રમાં રજૂ થશે ખરડો

નવી દિલ્હી તા. ૧ર :.. કેન્દ્રિય કેબીનેટ આજે ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવા માટે એક નવા ખરડાને મંજૂરી આપી શકે છે. કેબીનેટ સાથે જોડાયેલા સુત્રો અનુસાર, આજે થનારી મીટીંગમાં આ ખરડો ચર્ચા માટે રજૂ થશે. એક વાર સંસદની મંજૂરી મળ્યા પછી આ પ્રસ્તાવિત ખરડો આ વર્ષની શરૂઆતમાં લાગુ કરાયેલ વટહુકમનું સ્થાન લેશે.

જણાવી દઇએ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે પોતાના ગયા કાર્યકાળમાં ત્રણ તલાક ખરડો રજૂ કર્યો હતો. પણ લોકસભામાં મંજૂરી મળ્યા પછી આ ખરડો રાજયસભામાં લટકતો રહી ગયો હતો. આ કારણે ગયા મહીને ૧૬ મી લોકસભાનો કાર્યકાળ પુરો થવાની સાથે જ આ ખરડો પણ પુરો થઇ ગયો હતો.

જો આજની કેબીનેટ મીટીંગમાં નવેસરથી ત્રણ તલાક બીલને મંજૂરી મળે તો તેને ૧૭ જૂનથી શરૂ થનાર ૧૭ મી લોકસભાના પહેલા સત્રમાં તેને રજૂ કરાશે. ગઇ વખતે રાજયસભામાં સરકાર પાસે જરૂરી બહુમતી ન હોવાના કારણે વિપક્ષો આ ખરડાને રોકવામાં સફળ થઇ ગયા હતાં. એટલે આ વખતે આ ખરડા પર રાજય સભાના વલણ પર બધાની નજર રહેશે.

ત્રણ તલાક કાયદાના નામથી ઓળખાતો મુસ્લિમ મહિલા ખરડો કોઇ પણ પતિને પોતાની પત્નીને એક સાથે ત્રણ વાર તલાક બોલીને લગ્ન તોડવા પર પ્રતિબંધ મુકે છે. આવું કરનારને આ ખરડામાં અપરાધીની શ્રેણીમાં મુકવાની વાત કહેવાઇ છે. ત્રણ તલાક ખરડામાં પતિને ગીરફતાર કરવાના મુદા સામે જ વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. (પ-ર૦)

(10:14 am IST)