મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

બિહારમાં નીતીશકુમારનો મોટો નિર્ણય : માતા-પિતાની સેવા કરવાનું સંતાનો માટે ફરજિયાત : નહી તો જેલ : દારૂબંધી અને દહેજબંધી પછીનો કર્યો ત્રીજો મહત્વપૂર્ણ નિર્ણય

બિહાર : બિહારમાં આજે નીતીશકુમારના વડપણ હેઠળ કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા જેમાં બિહાર ની અંદર સંતાનો માટે માતાપિતાની સેવા કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જે સંતાનો આમ નહીં કરે તેણે જેલમાં જવું પડશે.

દારૂબંધી અને દહેજબંધી પછી મુખ્યમંત્રી નીતીશકુમારે સામાજિક કુરિવાજો દૂર કરવા માટે આ મોટો નિર્ણય લીધાનું માનવામાં આવે છે. અનેક મહત્વપૂર્ણ નિર્ણયો સાથે કેબિનેટ બેઠકમાં સત્તર એજન્ડાને પણ સ્વીકૃતિ આપવામાં આવી હતી. આ સાથે જ બિહાર કેબિનેટે મુખ્યમંત્રી વૃદ્ધા પેન્શન યોજનાને રાઇટ ટુ સર્વિસ એક્ટ હેઠળ લાવવાનો પણ નિર્ણય કર્યો છે.

નીતીશકુમારની કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય એ પણ લેવામાં આવેલ છે કે કાશ્મીરના પુલવામાં અને કુપવાડામાં આતંકી હુમલામાં શહીદ થયેલ બિહારના જવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવશે. ઉપરાંત ભાગલપુરમાં ગંગા નદી ઉપર એક વધુ વિશાળ પુલનું નિર્માણ કરવાનું જાહેર થયું છે. આ પુલ વિક્રમશીલા સેતુની બરાબર સમાનાંતર બનાવવામાં આવશે.

(12:00 am IST)