મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

લઘુમતિ વર્ગના કુલ પ કરોડ બાળકોને સ્કોલરશીપ મળશે

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય : કુલ પ કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પૈકી આશરે ૫૦ ટકા વિદ્યાર્થીની રહેશે : મદરેસાઓ માટે પણ ખાસ કાર્યક્રમ

નવી દિલ્હી, તા. ૧૧ : પ્રિ મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને મેટ્રિક જેવી કેટલીક સ્કોલરશીપ મળીને લઘુમતિ સમુદાયના પાંચ કરોડ વિદ્યાર્થીઓને આવી સ્કોલરશીપ આપવામાં આવશે. આ સ્કોલરશીપમાં ૫૦ ટકા વિદ્યાર્થીનીઓ પણ છે. કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, આગામી પાંચ વર્ષમાં લઘુમતિ સમુદાયના પાંચ કરોડ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ચુકવાશે. લઘુમતિ બાબતોના મંત્રીએ આજે અંત્યોદય ભવનમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની બેઠક અને ગવર્નિંગ બોડીની બેઠકમાં આ અઁગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે કોમવાદ અને લઘુમતિ સમુદાયને ખુશ કરવાની નીતિના દૂષણને દૂર કરીને વિકાસના માર્ગ ઉપર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે. સ્વસ્થ સ્પર્ધા અને સ્વસ્થ માહોલ રચાઈ રહ્યો છે. નકવીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામને ન્યાય આપવા માટે કટિબદ્ધ છે. સમાવેશી વિકાસ પ્રત્યે મોદી સરકાર કટિબદ્ધ છે. તમામ વર્ગના લોકોને પુરતા પ્રમાણમાં ન્યાય મળે અને તમામ લોકો સાથે મલીને આગળ વધે તેનો હેતુ રાખવામાં આવ્યો છે. સ્કુલમાંથી ડ્રોપઆઉટ કરી દેનારી લઘુમતિ સમુદાયની વિદ્યાર્થીનીઓને શિક્ષણ અને રોજગાર સાથે જોડવામાં આવશે. તેમને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી વિદ્યાર્થીનીઓને શિક્ષણ આપવામાં આવશે. દેશભરમાં મદરેસાના શિક્ષકોને મુખ્ય વિષયમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેમાં હિન્દી, ઇંગ્લીશ, ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે. મદરેસા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહનું શિક્ષણ મળે તે દિશામાં પહેલ થઇ રહી છે. મદરેસા પ્રોગ્રામ આગામી મહિનામાં લોંચ કરવામાં આવશે.લઘુમતિ સમુદાયના શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિકઆર્થિક વિકાસની ખાતરી કરવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. પાંચ કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે.

(12:00 am IST)