મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

રાહુલની ઈફતારમાં વિપક્ષી દિગ્ગજો ગેરહાજરઃ ૧૮ પક્ષોને આમંત્રણ, હાજર રહ્યા ૧૦

મમતા, માયાવતી, અખિલેશ, તેજસ્વીની યાદવ, શરદ પવાર, અજીતસિંહ, ઉંમર અબ્દુલ્લા વગેરેની સૂચક ગેરહાજરીઃ વિપક્ષી એકતાનું સૂરસૂરીયુ !: ઈફતાર પાર્ટીમાં જે વિપક્ષો હાજર રહ્યા તેમા પણ સેકન્ડ કેડરના નેતાઓ હાજર રહ્યાઃ પ્રણવ અને પ્રતિભા પાટીલ હાજર રહ્યાઃ વિપક્ષી એકતા માટે રાહુલે હજુ વધુ પ્રયાસો કરવા પડશે

નવી દિલ્હી, તા. ૧૪ :. ગઈકાલે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈફતાર પાર્ટીમાં વિપક્ષી એકતાનુ સૂરસૂરીયુ જોવા મળ્યુ હતું. કુલ ૧૮ પક્ષોના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર ૧૦ પક્ષના નેતાઓ જ હાજર રહ્યા હતા અને તેમા પણ વિપક્ષના કદાવર નેતાઓની ગેરહાજરી સૂચક છે.

રાહુલ ગાંધીની ઈફતાર પાર્ટી માટે વિપક્ષની ટોચની નેતાગીરીને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. કોંગ્રેસના સાથી પક્ષો ઈફતારમાં પહોંચ્યા પરંતુ પક્ષોના ફર્સ્ટ લાઈન નેતાઓને બદલે સેકન્ડ લાઈનના નેતાઓ આવ્યા હતા. સીટીએમના યેચુરી અને જેએમએમના હેંમત સોરેનને બાદ કરતા બીજા પક્ષોના ચીફ રાહુલની ઈફતાર પાર્ટીમાં પહોંચ્યા નહોતા. ડીએમકેના કની મોજી અને જેડીયુના સસ્પેન્ડેડ નેતા શરદ યાદવ હાજર હતા.

સપા તરફથી કોઈ નેતા ઈફતારમાં સામેલ ન હતા. બસપા ચીફ માયાવતી ખુદ ન ગયા પરંતુ રાજ્યસભાના સાંસદ સતિષ મિશ્રાને મોકલ્યા હતા.

તાજ હોટલની ઈફતાર પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ મનમોહનસિંહ, અહેમદ પટેલ, ગુલામનબી, ચિદમ્બરમ, ગેહલોટ, ખડગે, આનંદ શર્મા, રાજીવ શુકલા વગેરે હાજર રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટીલ પણ હાજર રહ્યા હતા. તૃણમૂલના દિનેશ ત્રિવેદી પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ પક્ષની કમાન સંભાળ્યા બાદ રાહુલની આ ઈફતાર પાર્ટીમાં તમામ વિપક્ષોને આમંત્રણ હતુ છતા કોઈ દિગ્ગજ નેતાઓ પહોંચ્યા નહોતા. રાહુલે કુલ ૧૮ જેટલા પક્ષોને ઈફતાર માટે આમંત્રણ આપ્યુ હતુ પરંતુ માત્ર ૧૦ પક્ષના નેતાઓ જ તેમા હાજર રહ્યા હતા.

અજીતસિંહ, મમતા બેનરજી, તેજસ્વી યાદવ, માયાવતી, અખિલેશ યાદવ, ઉંમર અબ્દુલ્લા, ફારૂખ અબ્દુલ્લા પણ હાજર રહ્યા ન હતા. એવા કયાસ હતા કે આ ઈફતારથી વિપક્ષી એકતા સધાશે, પરંતુ એવુ કશુ થયુ ન હતું. જેવી આ પાર્ટી ગાજી હતી તેવી રહી ન હતી. જો કે રાહુલના આ ફીક્કા શો ને ઢાંકવા માટે કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે, છેલ્લી ઘડી આ પાર્ટી યોજાતા વિપક્ષના મોટા નેતાઓ હાજર રહી શકયા ન હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે કે જે સાખ સોનિયા ગાંધી એ વિપક્ષોમા ઉભી કરી હતી ત્યાં સુધી પહોંચતા રાહુલ ગાંધીને હજુ લાંબો સમય લાગશે.

(11:38 am IST)